Home Uncategorized જામનગરમાં તળાવની પાળ પર હિટ એન્ડ રન,એક વર્ષની બાળકીનું કરૂણ મોત

જામનગરમાં તળાવની પાળ પર હિટ એન્ડ રન,એક વર્ષની બાળકીનું કરૂણ મોત

મધરાતના સુમારે ફુગ્ગા વેંચતા શ્રમીક પરીવાર પર વ્રજઘાત, ટોળા એકત્ર થયા

Face of nation :જામનગરના હાર્દ સમા તળાવની પાળ પર રવિવારે મધરાતે ગોઝારી ઘટના ઘટી ,પૂરપાટ દોડતી કારની ઠોકરે ચડેલી શ્રમીક પરિવારની એક વર્ષીય માસુમ બાળકી કાળનો કોળિયો બની બેઠી ,ધસમસતી કારની ઝપેટમા નાની ભુલકીનું જીવન રોળાઇ ગયું અને ઘટનાસ્થળે જ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભાવનગર પંથકના વતની અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વસવાટ કરી ફુગ્ગા વેંચતા પરિવાર પર માસુમ બાળકીના મોતથી વ્રજઘાત થયો હતો.

માતા-પિતા ફુગ્ગા વેચી રહ્યા હતા: પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના તળાવની પાળ પર આરટીઓ કચેરી તરફ જતા રોડ પર રવિવારે રાત્રે મૂળ ભાવનગર જિલ્લાના પાણીતાણા નજીક શોક ગામે રહેતા અને હાલ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા અને ફુગ્ગા વેંચીને પરીવારનું ગુજરાન ચલાવતા મનસુખભાઇ સવાભાઇ પરમાર નામના શ્રમીક પોતાની પત્ની ઉપરાંત પુત્રી અસ્મીતા (ઉ.1) સહિતના પરિવાર સાથે ફુગ્ગા વેંચી રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ વેગે દોડતી એક કારે માસુમ બાળકી અસ્મીતાને ઠોકર મારતા કાર અને ડીવાઇડર વચ્ચે કચડાઇ જતા માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ કમાકમટીભર્યું મોત નીપજ્યું હતું.

માતા-પિતાએ કલ્પાંત કર્યો: આ બનાવના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. દિગ્વિજય પ્લોટ ચોકીના પીએસઆઇ વાય.એસ.ગામીત અને સ્ટાફ પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે માસુમ બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવની મૃતકના માતા નીતાબેન પરમારની ફરિયાદ પરથી ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની આજે અટકાયત કરી હતી. આ બનાવના પગલે ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે મૃતકના માતા-પિતાના કલ્પાંતથી વાતાવરણ પણ ગમગીન બન્યું હતું.