Home Uncategorized અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે સંભળાવ્યો ચૂકાદો,ભાજપના પૂર્વ સાંસદ દિનુ...

અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે સંભળાવ્યો ચૂકાદો,ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી સહિત સાતેય આરોપીઓને આજીવન કેદની ફટકારી સજા

જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવા હત્યાકાંડ મામલે દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીને સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠેરાવ્યા છે

Face Of Nation:અમદાવાદઃ ગુજરાતનો બહુ ચર્ચિત અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે મોટો ચૂકાદો સંભળાવ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી સહિત સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવા હત્યાકાંડ મામલે દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીને સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠેરાવ્યા છે.

દોષિત ઠરેલા દિનુ બોઘાને તેમના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી છે. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે.

અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ 5 નવેમ્બર 2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત 7 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.

આ કેસની ટ્રાયલ દરમિયાન 155 સાક્ષી ફરી ગયા હતા. હાઈકોર્ટમાં હુકમથી 27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની 164 હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.