Face Of Nation 17-11-2022 : ડરપોક પત્રકાર હંમેશા લોકશાહીને ચીંથરેહાલ બનાવે છે અને પત્રકાર જયારે સત્તાથી પ્રભાવિત થાય છે ત્યારે પત્રકારત્વની હત્યા થાય છે. પત્રકારત્વની હત્યા પાછળ નબળા પત્રકારો જ જવાબદાર હોય છે. સત્તા જયારે ડરપોક બને છે ત્યારે તે સૌથી પહેલા પત્રકારથી દૂર ભાગે છે અથવા તો પત્રકારત્વને પોતાના હાથ નીચે દબાવવાની કોશિશ કરે છે. હાલ ભારતમાં એવી જ હાલત છે. આ દેશમાં ડરપોક ભાજપ સરકારે પત્રકારત્વ ઉપર પોતાનો અડિંગો જમાવી દીધો છે.
પ્રજા ભલે મોદી મોદી કે ભાજપ ભાજપ કરી રહી હોય પરંતુ નગ્ન સત્ય એ છે કે, મોદી અને ભાજપ બંને ડરેલા છે અને એટલે જ આ ડરપોકોએ પત્રકારત્વ ઉપર પોતાનો હાથ તંત્રના જોરે દબાવ્યો છે. જો કોઈ પત્રકાર તેમની વિરુદ્ધ સત્યની પડખે રહીને સમાચાર લખે તો તેને દબાવવા સરકારી તંત્રને મેદાને ઉતારી દેવામાં આવે છે. જે તે પત્રકારની ઉપર પોલીસ કેસોના માધ્યમથી બદનામ કરવામાં આવે છે અને જો કઈ ન મળે તો તે પત્રકાર વિરોધ પક્ષના ઈશારે કામ કરે છે તેવી વાહિયાત વાતો અને બનાવટી પોસ્ટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવે છે. પ્રજા પણ સત્તાધારી પક્ષની વાતોમાં આવીને ભાજપ જ જાણે કે, દુધે ધોયેલું હોય તેવું વર્તન કરે છે. ખરેખર લોકશાહી માટે આ એક ગંભીર બાબત છે. પ્રજા ક્યારેય સત્તાના પ્રભાવમાં ન આવવી જોઈએ. પ્રજા જયારે સત્તાના પ્રભાવમાં આવે છે ત્યારે સત્તા અભિમાની અને અહંકારી બની જાય છે.
ખેર ! પત્રકારત્વ દિવસ છે ત્યારે વાત ફક્ત પત્રકારત્વની જ કરવી વધુ યોગ્ય છે. પત્રકાર આજે એ હદે ડરીને દબાઈ ગયો છે કે, સત્તાની વિરુદ્ધમાં કે સત્તામાં બેઠેલા નેતાઓ દ્વારા થતી ખોટી કે પ્રજાના હિત વિરુદ્ધની કામગીરી અંગે કશું જ લખી શકવાની હિંમત ધરાવતો નથી. જો કોઈ પત્રકાર આ અંગેના સમાચારો લખે તો તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભાજપ હોય કે કોંગ્રેસ પત્રકારોને કવરના જોરે ખરીદતી થઇ ગઈ છે. મીડિયા હાઉસોના માલિકો જાહેરાતોની આડમાં વેચાઈ રહ્યા છે. જાહેરાત વાજબી છે પણ જાહેરાત માટે પગ ચાટવા એ વાજબી નથી કે જાહેરાત મળે એટલે વાહવાહી સિવાય કઈ જ ન કરવું તે પણ વાજબી નથી. સત્તા જયારે પત્રકારત્વ ઉપર હાવી થઇ જાય છે ત્યારે પ્રજાને ઘણું ભોગવવાનો વારો આવે છે, કોઈ પણ ભોગે પત્રકારે તેનું પત્રકારત્વ મારવું જોઈએ નહીં તેમ છતાં ક્યાંક પરિવારને કારણે તો ક્યાંક સત્તાને પ્રભાવિત થઇ ગયેલા પત્રકારો પત્રકારત્વનું ફિંડલું વાળીને બેસી ગયા છે. સોશિયલ સાઈટો ઉપર સત્તાધારી પક્ષની વાહવાહી કરનારા પત્રકારો વેચાઈ ગયા છે. સત્તાને સવાલ કરવાની હિંમત જયારે પુરી થઇ જાય ત્યારે પત્રકાર પાલતુ પ્રાણી સમાન બની જાય છે.
દેશમાં આજે પત્રકારત્વનો નાશ થઇ ગયો છે. જંગલમાં જેમ કેટલાક જ સિંહ વધ્યા છે તેમ પત્રકારત્વમાં પણ હવે કેટલાક જ કોઈ પણ ભોગે સત્ય લખનાર સિંહ વધ્યા છે બાકી બધા કુતરા જેવા થઇ ગયા છે. જે માત્ર સમગ્ર દિવસ દરમ્યાન તેમની તાકાત લગાવીને ભસે છે પણ સત્તાની સુરક્ષા માટે. પત્રકારત્વ દિવસ જેવું ભારતમાં કઈ બાકી રહ્યું જ નથી. ભારતમાં નેતાઓની છબી સુધારવા અને સત્તાની વાહવાહી કરવાનો કોન્ટ્રાકટ જાણે પત્રકારત્વને મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. સત્તાના મોહમાં આંધળા બનેલા પત્રકારોએ પત્રકારત્વનો નાશ કરી નાખ્યો છે. વાહિયાત સમાચારો દેખાડીને પ્રજાના માનસની હાલત બગાડી નાખી છે. એમાંય ખાસ કરીને ટીવી ચેનલોએ પત્રકારત્વનો નાશ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કાગ નો વાઘ કેવી રીતે કરવો તેના માટે જ પત્રકારત્વ પ્રયાસો કરી રહ્યું છે અને આ કાગના વાઘથી સત્તાને કેવી રીતે પ્રભાવિત કરી તગડી રકમની જાહેરાતો મેળવવી કે ઓફ ટેબલ તગડી રકમ મેળવવી બસ તેની લ્હાયમાં જ મીડિયા હાઉસો ઘેલા થઇ ગયા છે. દુઃખ દિવસ છે આજે પત્રકારો માટે કે પત્રકારત્વ દિવસ ખાલી નામ પૂરતો બની ગયો છે અને પત્રકારત્વનો અંત આવી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).