Face Of Nation 24-02-2022 : બે વર્ષ બાદ મહાશિવરાત્રી મેળો સંપુર્ણ રીતે યોજાવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એસ.ટી. નિગમ અને પોલીસ વિભાગ દ્વારા નવા એક્શન પ્લાન તૈયાર કરાયા છે. જૂનાગઢના ભવનાથમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો આવતીકાલથી શરૂ થઈ જશે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. આ મેળામાં આવતા નાગા બાવાનું ખાસ મહત્ત્વ છે. રાજ્યમાં એકમાત્ર આ મેળા જ તે જોવા મળે છે. ભવનાથમાં તેમનું આગમન શરૂ થઈ ગયું છે અને ધૂણા ચેતવવાનું શરૂ કરી દીધું છે. બે વર્ષ બાદ મહાશિવરાત્રી મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એસ.ટી.નિગમ અને પોલીસ વિભાગ દ્વારા નવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.
ભવનાથ જવા માટે 50 મીની બસની વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ યાત્રિકો માટે જુનાગઢ એસટી વિભાગ દ્વારા તારીખ 25થી બસ સ્ટેન્ડ ખાતે ભવનાથ જવા માટે 50 મીની બસ શરૂ કરવામાં આવશે. જેનું ભાડું માત્ર 20 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મેળામાં અન્ય શહેરના લોકો આવી શકે તે માટે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, સહિતના અન્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોની જૂનાગઢ વિભાગની 225 મોટી બસ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર વિભાગે 75 બસ મળી કુલ 350 બસ દોડાવવામાં આવશે.
નાગા સાધુ અને ધુણાનું મહત્વ
ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ પ્રજ્વલિંત રાખવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે. ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિ પ્રસાદીરૂપે આપવામાં આવે છે.
અન્નક્ષેત્રો પણ ધમધમવા લાગ્યા
મેળામાં આવતા ભાવિકોને જમાડવાની સેવા કરવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. આવતીકાલથી મેળો શરૂ થતો હોય અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યાં છે.
2800 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત
શિવરાત્રિનાં મેળામાં પોલીસ બંદોબસ્ત મૂકવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. શહેરના જુદા-જુદા માર્ગો પર રાવટી ઊભી કરવામાં આવી છે. મેળાનાં પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત મૂકાયો છે. મેળામાં ડીવાયએસપી., પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાન મળી અંદાજે 2800 જેટલા પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).