Face Of Nation:કર્ણાટકની યેદિયુરપ્પા સરકારની ફ્લોર ટેસ્ટની મુશ્કેલી પાર થઈ ગઈ છે. વિપક્ષે મત વિભાજનની માંગ ન કરી અને યેદિયુરપ્પા સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ. તેની સાથે સરકાર પોતાના આગળના કામકાજમાં લાગી ગઈ છે. હાલ 207 ધારાસભ્યોવાળી વિધાનસભા છે, જેમાં બહુમત માટે 104નો આંકડો જોઈતો હતો અને ભાજપની પાસે 105 ધારાસભ્ય છે.
બીજી તરફ, યેદિયુરપ્પા વિશ્વાસ મત જીતતાં તરત જ સ્પીકર કેઆર રમેશ કુમારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું. તેઓએ કહ્યું કે હું પદને છોડવા માંગું છું અને જે ડેપ્યુટી સ્પીકર છે, હાલ તેઓ આ પદને સંભાળશે.બહુમત સાબિત કર્યા બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, હું કોઈની વિરુદ્ધ બદલાની રાજનીતિની સાથે કામ નથી કરતો. તેથી હજુ પણ નહીં કરું. અમારી સરકાર ખેડૂતો માટે કામ કરવા માંગે છે, તેથી હું તમામને અપીલ કરું છું કે સરકારના વિશ્વાસ મત પ્રસ્તાવનું સમર્થન કરે.ફ્લોર ટેસ્ટ બાદ એચડી કુમારસ્વામીએ કહ્યું કે હવે તમે લોકો સરકારમાં છો, તેથી ધારાસભ્યો પર રાજીનામાનું દબાણ કરવાનું ખતમ કરો. તેઓએ કહ્યું કે, જો સરકાર સારું કામ કરે છે તો તેઓ સરકારનું સમર્થન કરશે.અગાઉ, કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ કે. આર. રમેશ કુમારે રવિવારે વધુ 14 બળવાખોર ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય કરાર કર્યા હતા. આ કાર્યવાહીથી વિધાનસભામાં બહુમત માટે જરૂરી સંખ્યા ઘટીને 104 થઈ ગઈ અને તેનાથી હાલમાં બનેલી ભાજપની સરકાર માટે સોમવારે વિશ્વાસમત મેળવવો સરળ થઈ ગયો.