Face Of Nation:કર્ણાટકમાં છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટક પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય આપતા કહ્યું છે કે આ અંગે વિધાનસભાના સ્પીકર નિર્ણય લઈ શકે છે. જેડીએસ-કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.
આ પહેલા મંગળવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી. જે બાદમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન કુમારસ્વામી અને વિધાનસભાના અધ્યક્ષે એક પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોની અરજી પર વિચાર કરવાના કોર્ટના અધિકારક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ બળવાખોર ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશ કુમાર બહુમત ગુમાવી ચુકેલી ગઠબંધન સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું કે, “હું જે પણ નિર્ણય કરીશ તે બંધારણ, કોર્ટ કે પછી લોકપાલની વિરુદ્ધ નહીં હોય.”મંગળવારે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે, ‘અમે એ નક્કી નહીં કરીએ કે વિધાનસભાના સ્પીકરે શું કરવું જોઈએ, એટલે કે તેમણે રાજીનામાનો સ્વીકાર કરવો જોઇએ કે નહીં. અમે ફક્ત એટલું કરી શકીએ કે સ્પીકર બંધારણીય રીતે પહેલા કયા મુદ્દે નિર્ણય કરી શકે છે.