સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કહ્યું કે, આ ઉચિત નથી અને રાજ્ય સરકારને આવું કરવું જોઈતું ન હતું.
Face Of Nation:કેન્દ્રએ મંગળવારે કહ્યું કે, ઉત્તર પ્રદેશની બીજેપી સરકારે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર, અન્ય પછાત વર્ગમાં સામેલ 17 જાતિઓને અનુસુચિતની લિસ્ટમાં સામેલ કરવી જોઈતી ન હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કહ્યું કે, આ ઉચિત નથી અને રાજ્ય સરકારને આવું કરવું જોઈતું ન હતું.
શૂન્યકાળમાં આ મુદ્દો બીએસપીના સતીશચંદ્ર મિશ્રએ ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે, અન્ય પછાત વર્ગમાં સામેલ 17 જાતિઓને અનુસુચિત જાતિમાં સામેલ કરવાના ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય અસંવૈધાનિક છે. કેમ કે, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની સૂચિમાં બદલાવ કરવાનો અધિકાર ફક્ત સંસદને છે.
આ મામલે ગેહલોતે કહ્યું કે, કોઈપણ સમુદાયને એક વર્ગમાંથી હટાવી બીજા વર્ગમાં સામેલ કરવાનો અધિકાર ફક્ત સંસદને છે. તેઓએ કહ્યું કે, પહેલાં પણ આ પ્રકારના પ્રસ્તાવ સંસદને મોકલાયા છે, પણ સહમતિ બની શકી ન હતી. ગેહલોતે કહ્યું કે, રાજ્ય સરકારને પ્રક્રિયાનું પાલન કરવું જોઈતું હતું, નહીંતર આ પ્રકારનાં મામલા કોર્ટ સુધી પહોંચી શકે છે.
જણાવી દઈએ કે, હાલમાં જ ઉત્તર પ્રદેશની યોગી સરકારે 17 અતિ પછાત જાતિઓને અનુસુચિત જાતિમાં સામેલ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમાં 17 જાતિઓમાં કહાર, કશ્યપ, કેવટ, મલ્લાહ, નિષાદ, કુમ્હાર, પ્રજાપતિ, ધીવર, બિન્દ, ભર, રાજભર, ધીમર, વાથમ, તુરહા, ગોડિયા, માંઝી અને માછીમાર સામેલ છે. જો કે, યોગી સરકાર પહેલાં મુલાયમ સિંહ અને અખિલેશ યાદવે પણ આ જાતિઓને અનુસુચિત જાતિમાં સામેલ કરવાની દિશામાં પગલું ભર્યું હતું.