Face Of Nation 16-04-2022 : કેશોદ એરપોર્ટ 21 વર્ષ બાદ આજથી ફરી શરૂ થવા જઈ રહ્યુ છે. એરપોર્ટ શરૂ કરવાને લઈ લાંબા સમયથી રાહ જોતા પ્રવાસીઓ અને લોકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સોરઠના કેશોદ એરપોર્ટ ઉપરથી હવાઈ સેવા માટે જરૂરી રૂ.25 કરોડના ખર્ચે ઉભી કરાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરી એરપોર્ટનું ઉદ્ધઘાટન કર્યુ હતું. ત્યારે કેશોદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સપ્તાહમાં મુંબઈ-કેશોદ વચ્ચે ત્રણ વખત ફ્લાઈટ ઉડાન ભરશે.
બન્ને જિલ્લામાં ટુરીઝમની નવી સર્કીટનો વિકાસ થશે
કેશોદ એરપોર્ટ પરથી આજથી કેશોદ- મુંબઇ રૂટ પર હવાઈ સેવા વિધિવત શરૂ થશે. વર્ષો બાદ કેશોદ એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ થવાથી સ્થાનીક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવાઈ સેવાની કનેક્ટિવિટી મળવાથી સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ બન્ને જિલ્લામાં ટુરીઝમની નવી સર્કીટનો વિકાસ થશે.
રન-વે રીનોવેશન સહિતની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ
આજે બપોરે કેશોદ એરપોર્ટ પર હવાઈ સેવાના પ્રારંભ પૂર્વે 72 સીટર વાળુ કોમર્શીયલ પ્લેન આવી પહોચ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તકતીનું અનાવરણ કરી કેશોદ એરપોર્ટ પર હવાઈ સેવા માટે જરૂરી ઉભી કરાયેલી બિલ્ડીંગ અને રન-વે રીનોવેશન સહિતની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ કરી એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ હતું.
પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશેઃ CM
આ સમારોહને સંબોધંતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, હવાઈ પરિવહનના વિકાસ જ રાજયના પર્યટનના વિકાસના મૂળમાં છે. આ સંકલ્પથી સિદ્ધિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં હવાઇ સેવાની કનેક્ટીવીટી ખુબ જ અગત્યની છે.
કેશોદ-અમદાવાદ વચ્ચે પણ ફ્લાઈટ શરૂ થશે
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ગુજરાતના જમાઇ હોવાનું જણાવી આજે કેશોદને વિશેષ સેવાઓ આપવાનું જણાવતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય લોકોને લક્ષમાં રાખીને ‘ઉડે દેશ કા આમ આદમી’ અંતર્ગત હવાઇ સેવાઓ શરૂ થઇ રહી છે. ઘણા વર્ષોથી કેશોદ એરપોર્ટમાં વિમાન સેવાઓ બંધ હોય જે ફરી શરૂ કરવા રૂ.25 કરોડના ખર્ચે ફરી સુવિધા ઉભી કરાય છે. કેશોદ-મુંબઇ બાદ હવે આગામી સમયમાં કેશોદને અમદાવાદ સાથે પણ જોડાશે.
સાત જગ્યા પર હેલીપોર્ટ બનાવાશે: પૂર્ણેશ મોદી
આ તકે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, અમરેલીમાં પાયલોટ સ્કુલનું પણ આયોજન થયુ છે. ત્યાં એરક્રાફટનું પણ નિર્માણ થશે. સરકારે તમામ તાલુકામાં હેલીપેડ બને તે માટેની યોજના પર કામ કરી રહી છે. અમદાવાદ, સાપુતારા, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ સહિતના સાત જગ્યા પર હેલીપોર્ટ બનાવવામાં આવશે. રાજયના અંકલેશ્વર, અમરેલી અને માંડવીમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના ટ્રાન્સપોર્ટેશન માટે એર દ્વારા કાર્ગો પરીવહન સેવા ચાલુ થશે. આગામી મહિનાઓમાં સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્લેન અને બીજા તબક્કામાં અમદાવાદથી અંબાજી, સાપુતારા, શેત્રુંજ્ય, ઉકાઇ સહિતના સ્થળે સી પ્લેન માટે તકનીકી અભ્યાસ થઇ રહ્યો છે.
સાસણ-ગીર નેશનલ પાર્કમાં પ્રવાસનને વેગ મળશે
સાસણ-ગીર, એશિયાટિક સિંહોનું છેલ્લું નિવાસસ્થાન કેશોદથી 50 કિમી દૂર છે. ફ્લાઈટ કેનેક્ટિવિટી શરૂ થતા સાસણ તેમજ ગીર નેશનલ પાર્કમાં પ્રવાસનને વેગ મળશે તેવી અપેક્ષા છે. આજ દિવસ સુધી અન્ય રાજ્યોના પ્રવાસીઓને રાજકોટ એરપોર્ટ પર ઉતરવું પડતું હતું. જ્યાથી સાસણ જવા માટે 3થી 4 કલાકનો રોડ પ્રવાસ કરવો પડતો હતો. જોકે, હવે એરપોર્ટ ફરી શરૂ થતા પ્રવાસીઓનો સમય પણ બચશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)