Home News કેતન ઇનામદારે કહી દીધી મોટી વાત, મને બરોડા ડેરીના સત્તાધિશો પર વિશ્વાસ...

કેતન ઇનામદારે કહી દીધી મોટી વાત, મને બરોડા ડેરીના સત્તાધિશો પર વિશ્વાસ નથી

Face Of Nation, 21-09-2021: વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. ત્યારે વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષર પટેલ, મધુ શ્રીવાસ્તવ અને શૈલેષ મહેતા આજથી બરોડા ડેરીના શાસકો સામે આંદોલન સાથે બે દિવસના પ્રતિક ધરણા કરવાના હતા પરંતુ વડોદરા મકરપુરા પોલીસે તેમને પ્રતિક ધરણાની મંજૂરી આપી ન હતી. જો કે, આ વિરોધમાં બે દિવસના ધરણા બાદ બરોડા ડેરી પર ચારેય ધારાસભ્યો હલ્લાબોલ પણ કરશે.

કેતન ઇનામદાર આજે પશુપાલકો સાથે બરોડા ડેરી સામે બે દિવસના પ્રતિક ધરણા કરવાના હતા પરંતુ વડોદરા મકરપુરા પોલીસે તેમને પ્રતિક ધરણાની મંજૂરી આપી ન હતી. જેના કારણે તેઓએ સર્કિટ હાઉસ ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા. જો કે, કેતન ઇનામદારે ધરણા શરૂ કરતા જ તેમને મનાવવા માટે જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમ સિંહ આવી પહોંચ્યા હતા. તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે, પશુપાલકોને યોગ્ય ભાવફેરની રકમ મળવી જોઇએ તે વાત ગઈકાલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરી હતી અને તેમણે કેતન ઇનામદારને સમર્થન આપ્યું હતું. ત્યારે તેઓ પણ અહીં પ્રતિક ધરણા માટે કેતન ઇનામદારને મળવા આવ્યા હતા.

પ્રતિક ધરણા મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, પરાક્રમ સિંહને વિશ્વાસ અને આશા છે કે, ભાવફેરની રકમમાં વધારો આવશે અને મને પણ એવું છે કે, જો અમારું મવડી મંડળ અંદર પડે તો સો ટકા પરિણામ સારૂં જ આવશે. પણ મને આ બરોડા ડેરીના સત્તાધિશો પર સહેજ પણ વિશ્વાસ નથી રહ્યો. ભાવફેરની રકમ અમને નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને ગુરુવારના અમારો હલ્લાબોલ કાર્યક્રમ યથાવત રહેશે અને આગળ જતા અમારી લડતને વધુ ઉગ્ર બનાવીશું. કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું હતું કે, ભાવફેરની રકમમાં વધારા સિવાય અમારું આંદોલન નહીં સમેટાય. ભાવફેરની રકમ જ અમારા આંદોલનનો અંત છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, કેતનભાઈએ ધરણા તો ચાલુ કર્યા નથી. કેતનભાઈ અહીંયા સર્કિટ હાઉસ ખાતે બેઠા છે અને હું શૈલેષભાઈ, પરાક્રમ સિંહ જાડેજાજી અમે કેતનભાઈ પાસે જ આવ્યા છીએ. આજે ડાયરેક્ટરો રાત્રે આવે છે. અમે ડાયરેક્ટરો સાથે બેઠક કરવાના છીએ. સાથે સાથે આવતીકાલે કેતનભાઈની ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટિંગ થાય એવું આયોજન કર્યું છે. તેઓ પણ મવડી મંડળ અને બરોડા ડેરી સાથે વાત કરશે અને ધારાસભ્યોની માંગણી છે કે, પશુપાલકોને ભાવ વધારો આપવો જોઈએ. તે દિશામાં કઈ રીતે આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરીશું.

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, પ્રતિક ધરણાને કયા સંજગોમાં મંજૂરી નથી આપી તે કહી શકાય નહીં. પણ મંજૂરી મળી નથી ત્યારે તેઓ સર્કિટ હાઉસ ખાતે બેઠા છે અને પશુપાલકોના હિતમાં જે કંઇ નિર્ણય લેવાનો હશે તે તમામ ધારાસભ્યો સંયુક્ત રીતે લેશે. શૈલેષ મહેતાએ વધુમાં જણાવ્યું કે, પશુપાલકોના હિતમાં તમામ નિર્ણયો તમામ ધારાસભ્યો ભેગા થઈને લેશે.

પરાક્રમ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે પ્રયત્નો કર્યા હતા તેના ભાગ રૂપે આજે અમે એક સાથે બેઠા છીએ. જો એકબીજા ના માન્યા હોત તો સાથે જ બેઠા ન હોત. શૈલેષભાઈ અને કેતનભાઈને પણ કહ્યું, બંને ભાઈઓને કહ્યું કે, ડાયરેક્ટરો બહાર છે આજ રાત સુધીમાં આવી જશે. અમે 100 ટકા વાત કરી અને જે ચારેચાર નેતાઓ કહે છે એજ અમે કહીએ છીએ કે, પશુપાલકોના હિતમાં ડેરી અને ધારાસભ્યો બંને જણા ભેગા થઈને નિર્ણય લેવાના છે. બંને માંથી એક પશુપાલકના વિરૂધમાં નહીં પણ હિતમાં જ નિર્ણય લેવાના છે અને હિતમાં નિર્ણય લેવા માટે આ મેરોથન બેઠકો ચાલે છે. એક હજાર ટકા ઘીના ઠામમાં ઘી પડશે. ચારેચાર ધારાસભ્યોની લાગણી અને માંગણીને માન આપી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)