Home Politics સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું:61 કરોડથી વધારે મતદાતાઓએ વોટ કરીને લોકશાહીની શાન...

સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું:61 કરોડથી વધારે મતદાતાઓએ વોટ કરીને લોકશાહીની શાન વધારી

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સરકારની ભાવિ યોજનાઓ અને એજન્ડા દેશની સામે રજૂ કરશે
  • આજથી રાજ્યસભાનું સત્ર શરૂ, 5 જુલાઈએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે

Face Of Nation:નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કરવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધુ મતદાતાઓએ વોટ આપીને ઐતિહાસિક જીત અપાવી છે.

દરેક મતદાર શુભેચ્છાના હકદાર

કોવિંદે કહ્યું, મહાત્મા ગાંધીની જયંતીની 150મી જયંતી પછી 17મી લોકસભાના પહેલાં સત્રને સંબોધતા મને ખુશી થઈ રહી છે. મતદાન કરવા માટે લોકો ભીષણ ગરમીમાં પણ લાઈનોમાં ઉભા રહ્યા હતા. આ વખતે મહિલાઓની ભાગીદારી વધી છે અને લગભગ પુરુશ બરોબર રહી છે. તે માટે દરેક મતદાતા શુભેચ્છાના હકદાર છે.

લોકસભાના નવા અધ્યક્ષને પણ હું તેમના આ દાયિત્વ માટે શુભેચ્છા પાઠવું છું, ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી પંચને શુભેચ્છા પાઠવું છું. આ લોકસભામાં લગભગ અડધા સાંસદો પહેલીવાર ચૂંટાયા છે. તેમાં 78 મહિલા સાંસદોનું ચૂંટાવું નવા ભારતની તસ્વીર પ્રસ્તુત કરે છે.

સરકાર સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી સુવિધા પહોંચાડશે
કોવિંદે અભિભાષણમાં જણાવ્યું કે, મારી સરકાર પહેલાં દિવસથી જ દરેક દેશવાસીઓનું જીવન સુધારવા, કુશાસનથી સર્જાયેલી તેમની મુશ્કેલીઓ દૂર કરવા અને સમાજની છેલ્લી હરોળમાં ઉભા રહેલા વ્યક્તિ સુધી દરેક સુવિધા પહોંચાડવાના લક્ષ્ય માટે સમર્પિત છે.

દેશના લોકોની મૂળભૂત આવશ્યકતા પૂરી કરીને હવે સરકાર તેમની આકાંક્ષા પ્રમાણે એક સશક્ત, સુરક્ષીત, સમૃદ્ધ અને સર્વસમાવેશ ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહી છે. આ યાત્રા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની મૂળ ભાવનાથી પ્રેરિત છે. નવા ભારતની આ પરિકલ્પના કેરળના મહાન કવિ શ્રી નારાયણ ગુરુના સદવિચારોથી પ્રેરિત છે.

દરેક ખેડૂત સુધી વડાપ્રધાન કિસાન સન્માન નિધિ પહોંચશે
કોવિંદે કહ્યું- નવું ભારત ગુરુદેવ રવીન્દ્ર નાથ ટાગોરના આદર્શ ભારતના તે સ્વરૂપ તરફ આગળ વધી રહ્યું છે જ્યાં લોકો ભયમુક્ત અને આત્મ-સન્માન સાથે રહી શકે. જે ખેડૂત આપણાં અન્નદાતા છે, તેમની સન્માન રકમ હવે વડાપ્રધાન કિસાન સન્માન અંતર્ગત દરેક ખેડૂત સુધી પહોંચાડવામાં આવશે. પહેલી વાર કોઈ સરકારે નાના દુકાનદારની આર્થિક સુરક્ષા ઉપર પણ ધ્યાન આપ્યું છે. કેબિનેટની પહેલી બેઠકમાં જ દુકાનદારો અને રિટેલ ટ્રેડર્સ માટે એક અલગ પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ 3 કરોડ નાના દુકાનદારોને મળશે.

પ્રકૃતિનું ધ્યાન રાખવું પડશે
રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, નેશનલ ડિફેન્સ ફંડથી વીર જવાનોના બાળકોને મળતી સ્કોલરશિપની રકમ પણ વધારી દેવામાં આવી છે. તેમાં પહેલીવાર રાજ્ય પોલીસના જવાનોના દીકરા-દીકરીઓને સામેલ કરવામાં આવ્યા છે. ક્લાઈમેટ ચેન્ડ અને ગ્લોબલ વોર્મિંગના વધતા પ્રભાવના કારણે આવનારા સમયમાં જળસંકટ વધારે વધવાની શક્યતા છે. આજે દેશની માગણી છે કે, જે રીતે દેશે સ્વચ્છ ભારત અભિયાન વિશે ગંભીરતા દાખવી છે તેવી જ રીતે જળ સંરક્ષણ વિશે પણ ગંભીરતા દાખવવી પડશે. આપણે આપણાં બાળકો અને આવનારી પેઢી માટે પાણી બચાવવાનું છે. નવા જળશક્તિ મંત્રાલયનું સર્જન આ દિશામાં એક નિર્ણાયક પગલું છે. તેના આવનારા સમયમાં ઘણાં લાભ થશે.

કૃષિમાં 25 લાખ કરોડ સુધીનું રોકાણ થશે
સંયુક્ત સત્રને સંબોધિત કરતા કોવિંદે કહ્યું કે, ગ્રામીણ ભારતને મજબૂત બનાવવા માટે મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે આવનારા વર્ષોમાં રૂ. 25 લાખ કરોડનું વધુ રોકાણ કરવામાં આવશે. દેશમાં દરેક બહેન દીકરી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવાના હેતુથી ત્રિપલ તલાક અને નિકાહ-હલાલા જેવી કુપ્રથાઓ બંધ કરવામાં આવશે. હું મારા સભ્યોને કહીશ કે તેઓ આપણી બહેન-દીકરીઓના જીવનને વધારે સારુ બનાવવાના પ્રયત્નોમાં તેમનો સહયોગ આપે.

વડાપ્રધાન મુદ્રા યોજના અંર્તગત સ્વરોજગાર માટે અંદાજે 19 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ યોજનાનું વિસ્તરણ કરતાં હવે 30 કરોડ લોકોને તેનો લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉદ્યોગો માટે રૂ. 50 લાખની લોન કોઈ પણ ગેરંટી વગર આપવાની યોજના પણ લાવવામાં આવશે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગૃહના સાંસદોને બેઠકની સાથે ડિનરનું પણ આંમત્રણ આપ્યું છે. આ ડિનર અશોકા હોટલમાં રાખવામાં આવ્યું છે.

આજથી જ રાજ્યસભાના સત્રની શરૂઆત થશે. તે 26 જુલાઈ સુધી ચાલશે. લોકસભા સત્ર 27 જૂનથી શરૂ થઈ ગયું છે. સચિવાલયના જણાવ્યા પ્રમાણે બજેટ સત્ર માટે જીએસટી પરિષદની બેઠક પણ રાખવામાં આવશે. મોદી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મુલાકાત પણ કરશે.