Home Politics કર્ણાટકમાં ફરી સર્જાઈ રાજકીય ઉથલપાથલ,વિધાનસભા સ્પીકરે કહ્યું 13માંથી 8 ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય...

કર્ણાટકમાં ફરી સર્જાઈ રાજકીય ઉથલપાથલ,વિધાનસભા સ્પીકરે કહ્યું 13માંથી 8 ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે નથી યોગ્ય

સિદ્ધારમૈયાએ કહ્યું- રાજીનામું આપનાર ધારાસભ્યોને અયોગ્ય ગણાવવામાં આવે, લોકસભામાં કોંગ્રેસ સાંસદનું વોકઆઉટ
અમિત શાહ અને મોદી જેવાં રાષ્ટ્રીય સ્તરના નેતાના નિર્દેશ પર સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે- સિદ્ધારમૈયા
કોંગ્રેસના 10, જેડીએસના બે અને બે અપક્ષ ધારાસભ્યોને મંગળવારે ગોવા લઈ જવામાં આવી શકે છે

Face Of Nation:કર્ણાટકમાં જોવા મળતી રાજકીય ઉથલપાથલ વચ્ચે વિધાનસભા સ્પીકર રમેશ કુમારે કહ્યું કે 13માંથી 8 ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે યોગ્ય નથી. રમેશે જણાવ્યું કે તેઓએ આ અંગે રાજ્યપાલ વજુભાઈ વાળાને જાણકારી આપી છે. તેઓએ કહ્યું, “કોઈ પણ બળવાખોર ધારાસભ્યએ મારી સાથે મુલાકાત નથી કરી. મેં રાજ્યપાલને વિશ્વાસ અપાવ્યો છે કે હું બંધારણ અંતર્ગત જ કામ કરીશ. મેં ધારાસભ્યોને મળવાનો સમય આપ્યો છે.”
આ પહેલાં કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે પાર્ટી વિરોધ પ્રવૃતિઓને માટે સભ્યોની કાયદેસરતા રદ કરવી જોઈએ. ધારાસભ્યોએ ભાજપ સાથે સમજૂતી કરી લીધી છે. તેઓએ ધારાસભ્યને પાછા આવવા અને પોતાના રાજીનામા પરત ખેંચવાનો અનુરોધ કર્યો છે. તેઓએ કહ્યું કે અમે ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા અને રાજીનામા સ્વીકાર નહીં કરવા માટે અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તો લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ કર્ણાટકના રાજકીય સંકટને લઈને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

સરકારને અસ્થિર કરવી ભાપની આદત- સિદ્ધારમૈયા: સિદ્ધારમૈયાએ કહ્યું કે, સરકારને અસ્થિર કરવી ભાજપની આદત છે. આ અલોકતાંત્રિક છે. જનતાએ અમને બહુમતી આપી. જેડીએસ અને કોંગ્રેસને 57%થી વધુ વોટ મળ્યા. રાજકીય સંકટ માટે ફક્ત ભાજપની રાજ્ય શાખા જ નહીં, પરંતુ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્રીય સ્તરના નેતા પણ સામેલ થયા છે. તેમના આદેશ પર સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

તેમને કહ્યું કે, અમે સ્પીકરને પક્ષપલટાના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અપીલ કરીએ છીએ. અમે અમારા પત્રમાં અપીલ કરી છે કે તેઓ તેમને ફક્ત અયોગ્ય જ નહી પરંતુ તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી દે.

કોંગ્રેસ પોતાનું ઘર સંભાળી શકતા નથી- રાજનાથઃ રક્ષામંત્રી રાજનાથસિંહે મંગળવારે લોકસભામાં કહ્યું કે, કર્ણાટકમાં જે કંઈ પણ બની રહ્યું છે તે કોંગ્રેસનો અંગત મામલો છે. તેઓ પોતાનું ઘર સંભાળી શકતા નથી આ ઉપરાંત તેઓ સંસદના નીચલા ગૃહમાં પણ અડચણ પેદા કરાવાના પ્રયાસો કરી રહ્યાં છે.

14 ધારાસભ્યોને ગોવા લઈ જવામાં આવી શકે છેઃ કર્ણાટકના સત્તાધારી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના 14 ધારાસભ્યોને સોમવારે સાંજે મુંબઈથી પુણે લઈ જવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના 10, જેડીએસના બે અને બે અપક્ષ ધારાસભ્યો મુંબઈથી ભાજપ યુવા માર્ચાના અધ્યક્ષ મોહિત ભારતીયની સાથે સડક માર્ગે ગોવા જવાના હતા. પરંતુ તેઓને મુંબઈથી પુણે લઈ જવામાં આવ્યાં. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ધારાસભ્યોને મંગળવારે વિશેષ વિમાનથી ગોવા લઈ જવામાં આવી શકે છે.
કોંગ્રેસે ભાજપ પર સરકાર તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, “તે તેમનો (કોંગ્રેસ)નો સ્વભાવ છે કે પોતાની અસફળતા માટે બીજાને દોષ આપે છે. તેમના ધારાસભ્યોએ રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. અમે સ્થિતિની સમીક્ષા કરીશું અને તે બાદ કોઈ નિર્ણય લઈશું.”

’14 ધારાસભ્યોને ગોવાના રિસોર્ટમાં રાખવામાં આવશે’: આ પહેલાં મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે કહ્યું હતું કે 14 ધારાસભ્યોએ મુંબઈમાં લક્ઝરી હોટલ છોડી દીધી છે. તેઓને ગોવાના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ગોવાના ભાજપના નેતાએ નામ ન જણાવવાની શર્તે કહ્યું કે તમામ ધારાસભ્યો મંગળવારે વિશેષ વિમાનથી અમારા રાજ્યમાં આવી શકે છે. ફાઈવ સ્ટાર હોટલમાં તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે બે અપક્ષ ધારસભ્ય એચ નાગેશઅને આર શંકરે મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે બેંગલુરુમાં કોંગ્રેસ, જેડીએસ અને ભાજપની બેઠકો સતત મળી રહી છે. ભાજપ સરકાર બનાવવાના પ્રયાસોમાં છે તો સામે કોંગ્રેસ-જેડીએસ પોતાની હાર માનવા તૈયાર નથી. તે વચ્ચે આજે વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવા કે નહીં તે વાતનો નિર્ણય કરશે.

ગઠબંધન સરકારને મોટો ઝટકો સોમવારે ત્યારે લાગ્યો જ્યારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમજ તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાને સોંપેલા પત્રમાં કહ્યું કે, મેં કુમારસ્વામી સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું છે. જો ભાજપ સરકાર ઈચ્છશે તો હું તેમનો સાથે આપીશ.

‘અમે કાયદાનું પાલન કરીશું’
સ્પીકર રમેશ કુમારે મંગળવારે કહ્યું કે, નિયમો પ્રમાણે જો વિધાનસભા અધ્યક્ષ આ વાત અંગે રજા આપે છે કે ધારાસભ્યોએ પોતાની મરજીથી રાજીનામા આપ્યા છે અને તે યોગ્ય છે તો તેનો સ્વીકાર કરી શકે છે. મારી પાસે બીજી માહિતી નથી. તેના માટે મારે જોવું પડશે. જે પણ નિયમ છે, મારો(સ્પીકર) ઓફિસ જવાબદારીપૂર્વક કાયદાનું પાલન કરશે. જેમાં કોઈ નક્કી સમયની વાત કરવામાં આવી નથી.

કોંગ્રેસના 78, જેડીએસના 37 ધારાસભ્યોઃ કર્ણાટક વિધાનસભામાં 225 સભ્ય છે, જેમાંથી એક નિયુક્ત કરેલા ધારાસભ્ય છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 સીટ જોઈએ. રાજીનામા પહેલાં સુધી કોંગ્રેસની પાસે 78, જેડીએસના 37 અને ભાજપના 105 ધારાસભ્ય હતા. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 119 ધારાસભ્યોનું સમર્થન હતું.

કોંગ્રેસની સામે સરકાર બચાવવાનો પડકારઃ હવે જેડીએસ નેતા અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સિવાય કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા સામે સરકાર બચાવવા માટેનો પડકાર છે. રાજ્યમાં સરકાર બનાવવા અને બચાવવા માટે ભાજપ અને જેડીએસમાં બેઠકોનો સિલસિલો ચાલુ છે. સોમવારે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પોતાના આવાસ પર કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને નાસ્તા પર બોલાવ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, મંત્રી ડીકે શિવકુમાર, યૂટી ખાદર, શિવશંકરા રેડ્ડી, વેંકટરમનપ્પા, જયમાલા, એમબી પાટિલ, કેબી ગૌડા, રાજશેખર પાટિલ હાજર રહ્યા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને સલાહ આપતા કહ્યું કે, ગઠબંધન સરકારને બચાવવા માટે મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવી શકાય.