Home Politics કર્ણાટકમાં સરકાર બચાવવા કોન્ગ્રેસ ખેલી રહી છે ખરાખરીનો ખેલ

કર્ણાટકમાં સરકાર બચાવવા કોન્ગ્રેસ ખેલી રહી છે ખરાખરીનો ખેલ

Face Of Nation:કર્ણાટકમાં સંકટમાં ઘેરાયેલી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર હવે અલ્પમતમાં આવી ગઈ છે. 13 ધારાસભ્યોના રાજીનામા બાદ અપક્ષના ધારાસભ્ય નાગેશે સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધું છે. આ રીતે શનિવારથી જ્યારે કોંગ્રેસ-જેડીએસના 14 ધારાસભ્યો ઓછા થઈ ગયા છે અને સદનમાં સંખ્યાબળ 104 જ રહી જવા પામ્યું છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ ભાજપ પાસે વિધાનસભામાં 105 ધારાસભ્યો થઈ ગયા છે. આ સ્થિતિમાં ભાજપની સરકાર રચાઈ શકે છે. અપક્ષના ઉમેદવાર નાગેશે ગવર્નરને પત્ર લખીને કોંગ્રેસ-જેડીએસ સરકારમાંથી સમર્થન પાછુ ખેંચતાની સાથે જ એમ પણ કહી દીધું છે કે, જો ભાજપ સમર્થન માંગશે તો તે તેમની સાથે જ છે.

આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ-જેડીએસએ સરકાર બચાવવા એક જુદી જ રણનીતિ અપનાવી છે. આ રણનીતિ અંતર્ગત કોંગ્રેસે રાજ્ય સરકારમાં રહેલા તમામ મંત્રીઓના રાજીનામા અપાવી દીધા છે. હવે તેમના સ્થાને અસંતુષ્ઠોને મંત્રીપદ સોંપીને વિરોધને ઠારવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

કોંગ્રેસ-જેડીએસની સરકાર બચાવવા માટે શક્ય તેવા તમામ પ્રયાસ કરી રહી છે. સરકાર બચાવવાના ભાગરૂપે કોંગ્રેસના તમામ 21 મંત્રીઓએ પદ પરથી રાજીનામા આપી દીધા છે. આગામી રણનીતિ પ્રમાણે કોંગ્રેસ હવે તમામ અસંતુષ્ઠ ધારાસભ્યોને મંત્રી બનાવીને ઉકળતો રોષ ઠાલવી શકે છે. આમ થાય તો કદાચ અસંતુષ્ઠ ધારાસભ્યો પોતાના રાજીનામા પાછા ખેંચી શકે છે અને ઘીના ઠામમાં ઘી થલવાય તેવી શક્યતા છે.

બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે ગઠબંધન સરકાર તરફથી તેમને મંત્રી પદ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. તેમના વિસ્તારને સ્પેશલ પેકેજ આપવાની વાત પણ થઈ રહી છે. પરંતુ કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યોએ ઓફર ફગાવી દીધી છે. એવામાં રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરું બનતું જાય છે. આ દરમિયાન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અમેરિકા પ્રવાસ પૂરો કરી બેંગલુરુ પરત આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય સંકટથી બહાર આવવાનો રસ્તો કાઢવા માટે કુમારસ્વામી સોમવાર રાત્રે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે.

બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવા માટે મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કોંગ્રેસ ઇન્ચાર્જ કેસી વેણુગોપાલ, જી પરમેશ્વર અને એમબી પાટિલે સતત અનેક બેઠકો દોર ચાલી રહ્યો છે. તેમાં નિર્ણય લેવાયો કે બળવાખોરને મંત્રી પદ આપીને મનાવવામાં આવે. આ નેતા સતત એચડી દેવગૌડાના સંપર્કમાં પણ રહ્યા. પરંતુ, બળવાખોર ધારાસભ્યોને મંત્રી પદ લેવાનો ઇનકાર કરતાં ગઠબંધનને કોઈ નવો રસ્તો શોધવો પડશે. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ખડગેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના દાવાને ફગાવતાં સિનીયર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોટાભાગના બળવાખોર ધારાસભ્ય પોતે મુંબઈ નથી ગયા. તેમાંથી કેટલાક અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે અને પરત ફરશે.