આ બિલ વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સુરક્ષા અને કલ્યાણ વગેરેના આધારે તૈયાર કરાયું છે.
Face Of Nation:દેશમાં રોજ કમાઇને રોજ ખાનારા માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર શ્રમ સુધારાની દિશામાં આગળ વધી રહી છે અને વેજ (વેતન) કોડ બિલ મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરી શકે તેવી શક્યતા છે.
આ બિલને કેબિનેટની મંજૂરી પછી ચાલુ સત્રમાં સંસદમાં રજૂ કરાશે. ગયા મહિને 16મી લોકસભા ભંગ થવાના કારણે આ બિલ રદ્ થઈ ગયું હતું. હવે મંત્રાલય ફરીથી આ બિલને સંસદમાં રજૂ કરવા કેબિનેટની મંજૂરી ઈચ્છે છે.
આ બિલમાં જોગવાઇ છે કે, કેન્દ્ર સરકાર કેટલાક ક્ષેત્રોમાં લઘુતમ સમાન વેતન નક્કી કરી શકશે. તેમાં રેલવે અને ખાણ ક્ષેત્ર પણ સમાવેશ થાય છે. આ સિવાયનાં ક્ષેત્રો માટે લઘુતમ વેતન નક્કી કરવા રાજ્યો સ્વતંત્ર હશે. આ બિલ દ્વારા એક રાષ્ટ્રીય લઘુતમ મજૂરી નક્કી કરાશે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકાર વિવિધ ક્ષેત્રો અને રાજ્યો માટે લઘુતમ મજૂરી નક્કી કરશે. આ બિલમાં દર પાંચ વર્ષ પછી લઘુતમ વેતનમાં સંશોધનની જોગવાઈ છે.
નક્કી લઘુતમ મજૂરીથી ઓછું વેતન આપતી કંપનીઓને રૂ. 50 હજાર સુધીનો દંડ અને સજાની પણ જોગવાઈ છે. જો પાંચ વર્ષમાં આવું ફરી કર્યું તો રૂ. એક લાખ સુધીનો દંડ અને ત્રણ માસની જેલની જોગવાઈ છે. વેજ કોડ બિલ 10 ઓગસ્ટ 2017ના રોજ લોકસભામાં રજૂ કરાયું હતું. ત્યાર પછી 21 ઓગસ્ટ 2017ના રોજ તે સંસદની સ્થાયી સમિતિને મોકલાયું હતું. સમિતિએ 18 ડિસેમ્બર 2018ના રોજ રિપોર્ટ સોંપ્યો હતો.
આ બિલ વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સુરક્ષા અને કલ્યાણ વગેરેના આધારે તૈયાર કરાયું છે. આ ખરડો કાયદો બનશે તો 44 જૂના મજૂર કાયદાની જગ્યા લેશે, જેમાં બિલ પેમેન્ટ ઓફ વેજિસ એક્ટ 1936, મિનીમમ વેજિસ એક્ટ 1948 અને પેમેન્ટ બોનસ એક્ટ 1965 અને ઈક્વલ રિમ્યુનરેશન એક્ટ 1976નો પણ સમાવેશ થાય છે.