કુલ 5 જિલ્લાનાં 75 સિંહોને જર્મનીની બનાવટના કોલરથી ટ્રેસ કરાશે
મોનિટરિંગ સેન્ટર પરથી સાવજ પર સતત નજર રહેશે
Face Of Nation:જૂનાગઢ: ગિર જંગલમાં વસતા સિંહોને રેડિયો કોલર લગાવવાની કામગીરી વનવિભાગે શરૂ કરી દીધી છે. અને અત્યાર સુધીમાં ગિરનાં 25 સિંહોને રેડિયો લગાવાઇ ચૂક્યા છે. આના થકી મોનિટરિંગ સેન્ટર ખાતેથી 24 કલાક સિંહોનાં ગ્રુપોનાં હલનચલન અને ગતિવિધિ પર નજર રાખી શકાશે. જર્મન બનાવટના કોલરથી સિંહોને ટ્રેસ કરાશે.
75 સિંહોને રેડિયો કોલર લગાવાશે
વનવિભાગનાં સુત્રોનાં કહેવા મુજબ ગત 11 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાસણ ગીર ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી વનવિભાગે સિંહોને રેડિયો કોલર લગાવવાની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 25 સિંહોને તો રેડીયો કોલર લગાવાઇ પણ ચૂક્યા છે. હજુ 50 સિંહોને આ ડીવાઇસથી સજ્જ કરાશે. આ માટે ખાસ જર્મનીથી 75 રેડીયો કોલર આવી ગયા છે. અને 5 જિલ્લામાં વિહરતા સિંહોનાં કુલ 75 સિંહોને આ રેડિયો કોલર લાગવાશે. દરેક ગ્રુપનાં એક સિંહને તે પહેરાવાશે. જેથી તેના થકી આખા ગ્રુપની ગતિવિધિનો ખ્યાલ આવી જશે. ત્યારબાદ સિંહ સદન ખાતે મોનિટરિંગ સેન્ટરમાંથી આ સિંહો પર દેખરેખ રખાશે. આના થકી સિંહોનાં જૂથની અવરજવર ઉપરાંત સંશોધન અને તેના વિસ્તાર સંબંધિત માહિતી પણ વનવિભાગને મળી શકશે.