Home Uncategorized જ્યાં ભાજપનું શાસન નથી ત્યાંની સરકારોએ લોકડાઉન આપી દેતા ભાજપ શાસિત રાજ્યોએ...

જ્યાં ભાજપનું શાસન નથી ત્યાંની સરકારોએ લોકડાઉન આપી દેતા ભાજપ શાસિત રાજ્યોએ અહમમાં લોકડાઉનથી દૂર રહેવાનું નક્કી કર્યું !

Face Of Nation, 06-05-2021 : ભારતમાં ભાજપની જે જે રાજ્યોમાં સરકાર નથી તે તમામ મોટાભાગના રાજ્યોએ તેમની પ્રજાને બચાવવા માટે અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉનનો વિકલ્પ અપનાવ્યો છે અને તેના પરિણામો પણ મળ્યા છે. કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે અને ભાજપની સરકાર ધરાવતા તમામ રાજ્યોમાં કોઈ પણ નિર્ણય કેન્દ્રની “મોદી” સરકારની પરવાનગી વિના લેવામાં આવતો નથી તેથી હજુ સુધી એવું કોઈ રાજ્ય નથી કે જ્યાં ભાજપની સરકાર હોય અને લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હોય. ભાજપે હંમેશા તેના અહમથી વધારે કશું માન્યું જ નથી. નેતાઓને સત્તાનું એવું તો ગુમાન અને અભિમાન ચઢી ગયું છે કે, પ્રજા કરતા તેમને તેમના અસ્તિત્વની અને સત્તાની વધારે ચિંતા છે. ભાજપ હવે જો લોકડાઉનનો વિકલ્પ અપનાવે તો અન્ય રાજ્યોની સરખામણી થાય અને અંતે નીચું જોવા જેવું આવે તેમ માનીને ભાજપના સત્તાધીશો લોકડાઉનનો વિકલ્પ અપનાવતા નથી તેમ કહેવામાં કોઈ બે મત નથી.
કોરોનાના વધતા જતા કેસોને કારણે કેરળમાં 8 મેથી 16 મેની સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કેરળના સીએમ પિનારાઇ વિજયન દ્વારા કરવામાં આવી હતી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-CPI(M) પાર્ટીના મુખ્યપ્રધાન પિનારાઇ વિજ્યને કેરળની પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કડક પગલા ભરવા પડશે. છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલની સરકાર દ્વારા 15 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. તેમાં લોકડાઉનનો વધારવા સાથે અને સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને થોડી રાહત અને છૂટ આપવાની વાત પણ કહેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણવધુને વધુ તીવ્ર બની રહ્યું છે. વધતાં સંક્રમણને અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં કડકતા વધારી દેવામાં આવી છે. મિની લોકડાઉન 1 મે સુધી અમલમાં હતું. રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે, તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉન જેવા પ્રતિબંધો 15 મે સુધી લંબાવી દેવામાં આવ્યા છે.જેથી રાજ્યમાં કોરોના વાયરસને ફેલાતો રોકી શકાય.
દિલ્હીમાં વધતાં કોરોનાના કહેરને કારણે લોકડાઉન 10 મે સુધી વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં ગયા સપ્તાહે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં 19 એપ્રિલથીલોકડાઉન લાગુ છે અને 10 મે સુધી ચાલુ રહેશે. હરિયાણામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના ચેન તોડવા માટે હરિયાણા સરકારે રાજ્યભરમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકાર દ્વારા 3 મેથી રાજ્યમાં 7 દિવસીય લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો હતો. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે સોમવારથી 3 મે સુધી 7 દિવસ સુધી સંપૂર્ણ હરિયાણામાં પૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
ઝારખંડની હેમંત સોરેન સરકારે રાજ્યમાં કોરોનાના કહેરને ધ્યાનમાં લેતા 13 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ઝારખંડમાં, ઘણા કડક અને પ્રતિબંધો સાથે, પ્રથમ 22 થી 29 એપ્રિલ સુધી અને ત્યારબાદ અમલ 29 એપ્રિલથી 6 મે સુધી સવારે 6 વાગ્યા સુધી લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. 6 મેથી પૂર્ણ થયેલ લોકડાઉનને લંબાવીને 13 મે સુધી લાગુ કરવામાં આવ્યું છે. ઓરિસ્સામાં 19 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. ઓરિસ્સામાં 15 દિવસનું લોકડાઉન બુધવારથી 19 મે સુધી ચાલુ રહેશે. પોલીસ કમિશનર સૌમેન્દ્ર પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે કરિયાણું, માછલી, માંસ, દૂધ વગેરેની દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
બિહાર સરકારે 5 મેથી 15 મે દરમિયાન બિહારમાં લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે સરકારના આ નિર્ણય અંગેની જાણકારી એક ટ્વિટ દ્વારા આપી હતી. આ દરમિયાન, રાજ્ય સરકારની તમામ કચેરીઓ, દુકાનો, વ્યાપારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ હવે મોટા શહેરોની સાથે સાથે નાના નાના ગામડાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને હવે રાજ્યમાં કર્ફ્યુ એટલે કે લોકડાઉનની મર્યાદા વધારીને 17 મે સુધી કરી દેવામાં આવી છે. રાજ્યમાં પેહલેથી જ વિકએન્ડ લોકડાઉન હોવાના કારણે આ લોકડાઉન 17 મે સવારે 6 વાગ્યા સુધી રહેશે. કોરોનાના વધતાં કહેર વચ્ચે રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર હવે સંપૂર્ણ લોક ડાઉન લગાવવાનાના મૂડમાં લાગી રહી છે. કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિ મુદ્દે સમિક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી અશોક ગહેલોત કડક પગલાં ભરવા બાબતે 5 મંત્રીઓની કમિટીની રચના કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)