Home Gujarat હાશ…અંતે ગુજરાતમાં પેપર લીક અટક્યું!; 9 વર્ષમાં કોઈ ન કરી શક્યું તે...

હાશ…અંતે ગુજરાતમાં પેપર લીક અટક્યું!; 9 વર્ષમાં કોઈ ન કરી શક્યું તે હસમુખ પટેલે કરી બતાવ્યું!?

Face Of Nation 11-04-2022 : રાજ્યના 7 જિલ્લામાં 950થી વધુ કેન્દ્રો પર લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા કોઈપણ ગેરરીતિની ઘટના નોંધાયા વિના શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ. અંદાજે 2.94 લાખ જેટલા ઉમેદવારો માટે આ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો. જોકે પરીક્ષા પત્યા બાદ હજુ સુધી કોઈ ગેરરીતિ કે પેપર લીકની ઘટના સામે આવી નથી. આ પરીક્ષાના સફળ આયોજન પાછળ હસમુખ પટેલને શ્રેય આપવો ખોટું નહીં કહેવાય. અગાઉ પણ LRDની પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના બની હતી, પરંતુ આટલા બધા વિવાદોની વચ્ચે હસમુખ પટેલે લોકરક્ષક ભરતી બોર્ડની કમાન સંભાળી અને સફળ રીતે ફોર્મ ભરાવાથી લઈને શારીરિક કસોટી તથા લેખિત કસોટી સુધીની તમામ પ્રક્રિયા પાર પાડવામાં મહત્વનું યોગદાન આપ્યું.
9 વર્ષમાં 10 ઘટનાઓ પેપર ફૂટ્યું છે
છેલ્લા 9 વર્ષમાં ચીફ ઓફિસર 2013, તલાટી 2014, મુખ્ય સેવિકા 2018, નાયબ ચિટનીશ 2018, પોલીસ લોકરક્ષક દળ 2018, ટેટ 2018, બિનસચિવાલય ક્લાર્ક 2019, ડીજીવીસીએલ વિદ્યુત સહાયક જુલાઈ 2021, સબ ઓડિટર ઓક્ટોબર 2021 અને હેડ ક્લાર્ક ડિસેમ્બર 2021ની પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવ બની ચૂક્યા છે. એટલે કે 9 વર્ષમાં 10 ઘટનાઓ પેપર ફૂટવાની બની ચૂકી છે. પરિણામે ભરતીની તૈયારી કરતા લાખો ઉમેદવારો નિરાશ થઈ ગયા હતા. આ બધા વચ્ચે હસમુખ પટેલે પારદર્શક અને સ્પષ્ટ કામગીરીએ સરકારી નોકરીનું સપનું જોનારા અનેક ઉમેદવારોના ભવિષ્ય સાથે અન્યાય થતા બચાવી લીધો છે.
LRD ભરતીને લઈને 468થી વધુ ટ્વીટ કરી ચૂક્યા
લોકરક્ષક દળમાં વિવિધ પોસ્ટ માટે 10459 જગ્યાઓની ભરતી માટે રવિવારે પરીક્ષા યોજાઈ હતી. આ ભરતી પ્રક્રિયાની જાહેરાત 12 ઓક્ટબર 2021ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન હસમુખ પટેલે ટ્વિટર પર એક્ટિવ રહીને ઉમેદવારોને ફોર્મ ભરવાથી લઈને અન્ય કોઈપણ સમસ્યા અંગે સતત ટ્વીટ કરતા રહ્યા છે. ઉપરાંત હેલ્પલાઈન નંબર, ઉમેદવારોને શારીરિક અને લેખિત કસોટી માટે તૈયારી કરવામાં પણ તેમનું સતત પ્રોત્સાહન વધારતા હતા, પરિણામે ઉમેદવારોને પણ મનમાં વિશ્વાસ જાગ્યો હતો કે આ ભરતી પ્રક્રિયામાં હસમુખ પટેલ છે ત્યાં સુધી અન્યાય થવાની શક્યતા નહીંવત છે. હસમુખ પટેલે ભરતીની જાહેરાત થવાના 8 દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબર 2021ના રોજથી જ ટ્વીટ દ્વારા મોટી ભરતી આવવાની જાણ કરી ઉમેદવારોને તૈયારી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પરિણામે 12 લાખથી પણ વધુ ફોર્મ પરીક્ષા માટે ભરાયા હતા, જ્યારે શારીરિક કસોટીમાં 9 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. 10મી એપ્રિલ સુધીમાં તેઓ LRD ભરતીને લઈને 468થી વધુ ટ્વીટ કરી ચૂક્યા છે.
2018માં LRD ભરતીમાં પેપર લીક થયું હતું
આ પહેલા વર્ષ 2018માં LRDની ભરતી પ્રક્રિયા દરમિયાન પેપર લીક થવાની ઘટના બની હતી. જેમાં દિલ્હીની ગેંગે કર્ણાટકના સાગરિતોની મદદથી ઉડુપીની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપરની લીક થઈ ગયું હતું. તે વખતે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય હતા. આ બાદ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે હસમુખ પટેલને મૂકવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શનમાં ભરતી પ્રક્રિયામાં હજુ સુધી કોઈ ગંભીર ક્ષતિ થઈ નથી. આ બાબત સૂચવે છે કે, એક પ્રમાણિક અધિકારીના જો ઈરાદા સારા હોય તો કેટલી સારી રીતે કામ કરી શકે છે. સરકાર જો સાચા અને પ્રમાણિક અધિકારીને કામ સોંપે તો ભરતી પ્રક્રિયા જેવું મુશ્કેલ કાર્ય પણ સરળતાથી પાર પાડી શકાય છે, અને લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે અન્યાય થતો અટકાવી શકાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).