Face Of Nation, 10-08-2021 : લુણાવાડામાં BJPના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાનો ભેદ આખરે ખૂલ્યો છે. ગોલાના પાલ્લા ગામે વૃદ્ધ દંપતીની હત્યા રૂપિયાની લેણદેણમાં કરાઈ હતી. ત્રિભુવનદાસના ખાસ મિત્રએ જ તેમની અને તેમના પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. મિત્ર ભીખા પટેલે ત્રિભુવનદાસ અને તેમની પત્નીની હત્યા કરી હતી. ત્યારે આજે મહીસાગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આજે ભીખા પટેલ પાસેથી હત્યાનુ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
લુણાવાડા ભાજપના નેતાના ડબલ મર્ડર કેસ મામલે મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષે ગંભીર નોંધ લીધી હતી અને પોલીસને યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે મહીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. આખરે આજે છ દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યાના આરોપી ભીખા ધુલા પટેલની ધરપકડ કરી છે. રૂપિયાની લેતીદેતી મામલે તેમજ વહેમના આધારે હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું છે. ત્યારે ભીખા પટેલે મર્ડર કઈ રીતે કર્યું તેનું રિકન્સ્ટ્રક્શન કરવા પોલીસ તેને ઘટના સ્થળે લઈ આવી હતી. ભીખા પટેલ પાસેથી ત્રિભુવનભાઈનો મોબાઈલ તેમજ હથિયાર કબજે કરાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના ગોલાના પાલ્લા ગામે રહેતા અને નિવૃત જીવન ગાળી રહેલ પંચાલ દંપતીની છ દિવસ પહેલા હત્યા કરાઈ હતી. ગોલાના પાલ્લા ગામે રહેતા ત્રિભોવનદાસ પંચાલ (ઉ.વ.77) અને તેમના ધર્મપત્નિ જશોદાબેન પંચાલ (ઉ.વ.70) પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ મહિસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સભ્ય પણ હોદ્દો ધરાવતા હતા. તેઓના 3 પુત્રો છે. જે પૈકી એક પુત્રનું કોરોનાને લઈને થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારે અન્ય બે પુત્રો પૈકી એક પુત્ર આણંદ ખાતે તબીબ છે. જયારે અન્ય એક પુત્ર વિદેશમાં રહે છે. હત્યાની રાતે ત્રિભોવનદાસ પંચાલ અને તેમના પત્ની જમી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બૂમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલ લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા તે દરમિયાન તેઓને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી 3 ઉપરાંત ઘા મારી હુમલો કરી હત્યા નિપજાવી હતી. ઘર બહાર થયેલી હિલચાલને લઈને તેમના પત્ની બહાર દોડી આવ્યા હતા. તેઓ ઘરની બહાર આવે તે પહેલાં જ તેમને પણ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરી તેમનું પણ મોત નિપજાવાયુ હતું. તેના બાદ હત્યારાઓ ફરાર થયા હતા.
સમગ્ર ઘટનાની જાણ સવારે દૂધ ભરવા માટે જતા લોકોને થઈ હતી. વૃદ્ધ દંપતી કમ્પાઉન્ડમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા લોકોએ બૂમો પાડી હતી. આ બનાવની જાણ લુણાવાડા પોલીસને કરતા પોલીસ સહિત ભાજપના જિલ્લા પ્રમુખ દશરથ બારીયા તેમજ સ્થાનિક ધારાસભ્ય જીગ્નેશ સેવક સહિત ભાજપના કાર્યકરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)