Home News માંડલ : પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનને મોતને ઘાટ પહોંચાડનાર યુવતીનાં પિતાની અટકાયત

માંડલ : પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનને મોતને ઘાટ પહોંચાડનાર યુવતીનાં પિતાની અટકાયત

Face Of Nation:અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા દલિત યુવકની પોલીસ તથા સરકારી અધિકારીની હાજરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. કચ્છનાં ગાંધીધામનો દલિત યુવાન પોલીસની અભયમ ટીમ સાથે પત્નીને લેવા વરમોર ગામમાં ગયો હતો. જ્યાં યુવતીના પિતા, ભાઈ સહિત આઠ વ્યક્તિઓએ ધારીયા, તલવાર, છરી તેમજ લાકડીથી જીવલેણ હુમલો કરી યુવાનને જાહેરમાં જ રહેંસી નાખ્યો હતો. અભયમ્ 181 મહિલા પોલીસની ટીમ ઉપર હુમલો કરી પોલીસની હાજરીમાં હત્યાને અંજામ અપાયો હતો.

યુવતીને શોધવા 4 ટીમો બનાવવામાં આવી

આ મુદ્દે માંડલ પોલીસે 8 લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે યુવતીનાં પિતા અને અન્ય એક વ્યક્તિની અટકાયત પણ કરી દેવામાં આવી છે. આ કેસમાં હજી મૃતક દલિત યુવાનની પત્ની ગુમ છે તેને શોધવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે.

આ કેસમાં અભ્યમનાં કાઉન્સિલર ભાવિકા એસ. ભગારોની બેદરકારી સામે આવી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.