Home Gujarat હવે મોંઘવારી ક્યા ગઈ?; ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલમાં દેશ-વિદેશની વેરાઇટીવાળી કેરી ખરીદવા લોકો...

હવે મોંઘવારી ક્યા ગઈ?; ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલમાં દેશ-વિદેશની વેરાઇટીવાળી કેરી ખરીદવા લોકો પહોંચ્યા, 1 જ દિવસમાં 47 લાખનું વેચાણ!

Face Of Nation 28-05-2022 : ગાંધીનગરમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા ત્રિદિવસીય નેશનલ મેંગો ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં કેરીના સ્વાદરસિકોએ માત્ર એક જ દિવસમાં વિવિધ જાતની રૂ. 46 લાખ 62 હજાર 400ની કિંમતની 46 હજાર 280 કિલો કેરીની ખરીદી કરી છે તેમજ હજુ આજે અને આવતીકાલ સુધીમાં કેરીના વેચાણમાં ત્રણ ગણો વધારો થાય એવી શક્યતા જોવા મળી રહી છે.
રાજ્યભરમાંથી કેરીરસિયાઓ ઊમટ્યા
ગુજરાત ટૂરિઝમ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાષ્ટ્રીય કેરી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાના મેંગો ફેસ્ટિવલમાં 11 રાજ્યના કેરીઉત્પાદકો દ્વારા 100 પ્રકારની કેરીનું પ્રદર્શન – વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રામકથા મેદાને આયોજિત મેંગો ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર સહિત ગુજરાતભરમાંથી કેરીના રસિયાઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.
કાશ્મીરથી કેરળ સુધીની વિવિધ જાતની કેરીનું પ્રદર્શન
આ પ્રદર્શનમાં રાખવામાં આવેલી કાશ્મીરથી કેરળ સુધીની વિવિધ જાતની કેરીનું પ્રદર્શન જોઈને મુલાકાતીઓ પણ અભિભૂત થયા હતા. ત્યારે 11 રાજ્યમાંથી આવેલા કેરી-ઉત્પાદકો દ્વારા અવનવી કેરીનું શુદ્ધ ઓર્ગેનિક અને પ્રાકૃતિક કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો બીજીતરફ નેશનલ મેંગો ફેસ્ટિવલમાં 11 રાજ્યની 100થી વધુ પ્રકારની કેરીઓનું પ્રદર્શન-વેચાણ કરવામાં આવી રહ્યુ છે, જેમાં હાફુસ, કેસર, લંગડો, રત્નાગિરિ સહિત કેટલાય લોકોએ કોઈ દિવસ નામ સાંભળ્યું પણ ના હોય કે જોઈ પણ ના હોય એવી કેરીઓનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
46 હજારથી વધુ કિલો કેરીનું વેચાણ
આ અંગે ગુજરાત ટૂરિઝમના એમડી આલોક પાંડેએ જણાવ્યું હતું કે નેશનલ મેંગો ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે જ 50 જેટલા કેરીના સ્ટોલ પરથી અંદાજિત 46 હજાર 280 કિલો કેરી એટલે કે રૂ. 46 લાખ 62 હજાર 400 રૂપિયાની કેરીનું ઉત્પાદકો દ્વારા સીધું જ ગ્રાહકોને વેચાણ કરાયું છે. હજી આજે અને આવતીકાલે પણ કેરીનું પ્રદર્શન-વેચાણ કરાશે, જેનો લાભ લેવા સૌકોઈને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).