તમિલનાડુમાં DMKની નારાજગી બાદ મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલવાનો વિકલ્પ નથી
આસામમાં કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નહીં
ગુજરાતમાં બે બેઠક માટે અલગ અલગ ચૂંટણી તેથી ભાજપના જ ઉમેદવાર તેવી શક્યતા વધુ
Face Of Nation:નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને ફરી એક વખત રાજ્યસભા પહોંચાડવા માટે કોંગ્રેસની પાસે હવે રાજસ્થાનનો આશરો છે. કેમકે આસામ અને ગુજરાતના રસ્તા બંધ થયા બાદ તમિલનાડુમાં પણ સહયોગી DMKએ મંગળવારે રાજ્યની ત્રણ રાજ્યસભા સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા છે અને બે સીટ પોતાની પાસે રાખીને ત્રીજી સીટ તેઓએ કોંગ્રેસના સ્થાને અન્ય સહયોગી MDMKના વી. ગોપાલસામી અથવા વાઈકોનું નામ જાહેર કરશે.
સ્ટાલિનની નારાજગીઃ તમિલનાડુમાં સત્તાધારી પાર્ટી AIADMK અને વિપક્ષ DMK પાસે એટલાં ધારાસભ્યો છે કે તેઓ રાજ્યસભાની ત્રણ-ત્રણ સીટ જીતી શકે. ગત દિવસોમાં એવા પણ સમાચાર હતા કે રાહુલ ગાંધીના નામને વડાપ્રધાન તરીકે સપોર્ટ કરનારા DMK પ્રમુખ એમકે સ્ટાલિન તે વાત માટે રાજી હતા કે તેઓ પોતાના ક્વોટાની એક સીટ ડૉ. મનમોહન સિંહને આપશે.
સૂત્રોનું કહેવું છે કે DMKનો ઈરાદો બદલવા પાછળ એક કારણ એવું છે કે કોંગ્રેસના બંને નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ડાયરેક્ટ એમકે સ્ટાલિન સાથે વાત કરી ન હતી. પરંતુ તેમના બદલે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને ગુલામનબી આઝાદે DMKના અન્ય નેતાઓ સાથે વાત કરી જેના કારણે DMKનું નેતૃત્વ નારાજ થઈ ગયું હતું.
આસામમાં પૂરતી સંખ્યા નહીં: વર્ષ 2014માં UPAની હાર પહેલાં 10 વર્ષ સુધી વડાપ્રધાન રહેલાં ડૉ. મનમોહન સિંહ પૂર્વોત્તરના આસામ રાજ્યથી રાજ્યસભાના સાંસદ હતા પરંતુ હવે તે રાજ્યમાં કોંગ્રેસની પાસે પર્યાપ્ત સંખ્યામાં ધારાસભ્યો નથી કે તેઓ ડૉ. મનમોહન સિંહે ફરીથી ઉપલા ગૃહમાં મોકલી શકે.
ગુજરાતમાં બે બેઠક માટે અલગ અલગ ચૂંટણી કારણભૂતઃ કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાનને ગુજરાતથી રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ લોકસભા સભ્ય બનતાં બે સીટ ખાલી થઈ છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની બંને રાજ્યસભા સીટ માટે એક સાથે ચૂંટણી કરાવવાની માગ રદ થતાં પાર્ટીએ પોતાનો નિર્ણય બદલ્યો છે
રાજસ્થાન તરફ નજરઃ કોંગ્રેસની યોજના હવે મનમોહન સિંહે રાજસ્થાનથી રાજ્યસભા મોકલવાની યોજના છે. ગત સપ્તાહે ભાજપના પ્રમુખ મદનલાલ સૈનીના નિધન પછી રાજ્યસભાની એક સીટ ખાલી થઈ છે. તેમનો કાર્યકાળ એપ્રિલ, 2024 સુધીનો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતીની રાજ્યમાં સત્તા મેળવનાર કોંગ્રેસને અહીંથી પોતાની જીત પર વિશ્વાસ છે.