Face Of Nation 09-06-2022 : વડોદરા શહેરના સુભાનપુરામાં રહેતી શમા બિંદુએ વિવાદો વચ્ચે આત્મવિવાહ કરી લીધા છે. પોતાના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં જ પોતાની સાથે લગ્ન કર્યા છે. કોઈ પંડિતજી ન મળતાં વડોદરાની શમા બિંદુએ પોતાની જાત સાથે ‘ગંધર્વવિવાહ’ કર્યા હતા અને જાતે જ મંગળસૂત્ર પહેરીને સેંથામાં સિંદૂર પૂર્યું હતું. મોબાઇલમાં વીડિયો પ્લે કરીને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શમાના લગ્નમાં ત્રણેક મહિલા મિત્ર અને બે પુરુષ હાજર રહ્યા હતા. લગ્ન કર્યા બાદ તેને સપોર્ટ કરનાર અને લગ્નમાં હાજરી આપનાર તમામ લોકોનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો હતો.
શમાના આત્મવિવાહનો વિરોધ થયો હતો
વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા એક ભાડાના ફ્લેટમાં રહેતી શમા બિંદુએ આત્મવિવાહ એટલે કે પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતાં વિવાદ ઊભો થયો હતો. શમાએ પહેલાં જાહેરાત કરી હતી કે હું મારી જાત સાથે જ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ, જેનો વડોદરાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. જેથી શમાએ મંદિરમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. શમાએ 11મી જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની પહેલાં જ તેણે લગ્ન કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે.
ગંધર્વવિવાહ એટલે શું?
ઈશ્વરની સાક્ષીએ ક્યાં તો કોઈ મંદિરમાં મૂર્તિના સન્મુખે અથવા તો મંદિર ન હોય તો કોઈપણ સ્થળે ઈશ્વરના નિરાકાર સ્વરૂપે ઉપસ્થિતિને સાક્ષી માની એકબીજાને હારતોરા કરીને આજીવન એકબીજાના જીવનસાથી બનવાના શપથ લઈને પરિણય સૂત્રમાં બંધાય એને પુરાતનકાળમાં ગંધર્વવિવાહ તરીકે ઓળખવામાં આવતા હતા. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય અભિજ્ઞાન શાકુન્તલમમાં ગંધર્વવિવાહનો ઉલ્લેખ છે. આ મહાકાવ્યમાં રાજા દુષ્યંત અને શકુંતલા ગંધર્વવિવાહ કરે છે, જેમાં તેઓ અરણ્યમાં નદીકિનારે નિરાકાર ઈશ્વરની સાક્ષીએ એકબીજાને હારતોરા કરીને પરિણય સૂત્રમાં બંધાય છે.
અગાઉ શમાએ પોસ્ટ મૂકીઃ No Media Allowed
આ પહેલાં શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે, No Media Allowed સાથે જ તેણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, કોઇપણ મીડિયાકર્મી મારા ઘર કે સોસાયટી આસપાસ ન આવે. જે લોકોને લાગે છે કે હું આ બધું પ્રસિદ્ધિ માટે કરું છું તો એવું બિલકુલ નથી. મેં તો જેવું હંમેશાંથી વિચાર્યું હતું તેવા મારે તો માત્ર સાદગીથી મારા લગ્ન કરવા હતા, પરંતુ હવે હું મારા લગ્નની વચ્ચે રાજકારણ અને મીડિયાને લાવવા માગતી નથી. જો કોઇ મીડિયા મારો ઇન્ટરવ્યુ કે ડિબેટ કરવા માગે છે તો પહેલા ફોન કે સોશિયલ મીડિયાથી મારો સંપર્ક કરે. હું તેમની સાથે ઓનલાઇન વાતચીત કરીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).