Home News મેઘાનો દક્ષિણમાં દેકારો:ધરમપુરમાં 11.5 ઈંચ તો વઘઈમાં 8 ઈંચ વરસાદ,નદીઓ છલકાઈ

મેઘાનો દક્ષિણમાં દેકારો:ધરમપુરમાં 11.5 ઈંચ તો વઘઈમાં 8 ઈંચ વરસાદ,નદીઓ છલકાઈ

Face Of Nation:સુરત હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતી ઉદભવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદ પગલે વલસાડ જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિત છે. અને અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. જ્યારે ડાંગમાં 30 ગામ અને વલસાડના 20 હજાર લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. દરમિયાન વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટીમાં વધારો થતા 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. અને કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં જૂનના છેલ્લા સપ્તાહ અને જૂલાઇના પ્રારંભના 10 દિવસ દરમિયાન ચોમાસું જામ્યા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો.જોકે, જુલાઇના અંતિમ સપ્તાહમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થતાં ડાંગરના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. ધોધમાર વરસાદ થતાં દમણગંગા, કોલક નદી બંન્ને કાંઠે વહી હતી.11.5 ઈંચ વરસાદ પડતાં વલસાડની ઔરંગા નદીમાં પૂરના પાણી ધસી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારોના રહીશોને રિક્ષા ફેરવીને સાવધ કરાયા હતા. પ્રાંત અધિકારી કે.જે.ભગોરા ટીમ લઇને ઔરંગા પુલ પર ધસી ગયા હતા. વરસાદના પગલે લાગુ ગામડાઓમાં ઠેર ઠેર કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. લોકોને 10 કિમીનો ચકરાવો લઇને જવું પડ્યું હતું જ્યારે કેટલાય લોકો કામધંધે પહોંચી શક્યા ન હતા.ભારે વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું હતું. ઉપરવાસમાં થયેલી ભારે વર્ષાને લઈ એક સમયે સૂકી થયેલી તાન, માન, પાર, નાર સહિતની નદીના જળસ્તર વધવાની સાથે બંને કાંઠે વહી રહી છે. ધરમપુરમાં 20 કેઝ વે પરથી પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ ગયા છે. બીજી તરફ ભારે વરસાદને પગલે શહેરના દાતાર ફળીયામાં તૂટીને ઘરો પર પડેલા, વર્ષો જુના વડની ડાળી તૂટી પડતા દીવાલો,પતરાને નુકશાન થયું હતું. જ્યારે કોઠી ફળીયામાં ઝાડથી તૂટેલું પતરૂ પડતા પગમાંઇજા થઇ હતી. તો માકડબન ગામે ધામણી, તામછડી તરફ જતા માર્ગ વચ્ચેથી પસાર થતી ખનકી ડુબાણમાં ગયેલા ડાઇવર્ઝનને લઈ વાહનવ્યવહાર ઠપ થયો હતો. અને લોકોને માકડબનના જામનપાડા, ઉમરમાળ થઈ આશરે પાંચ કિમીનો ચકરાવો લેવાની ફરજ પડી હતી.

ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ જારી રહેતા સર્વત્ર પાણી રેલાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઈ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, મહાલ, પીંપરી, આહવા, બોરખલ, ચીંચલી સહિત પંથકમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ડાંગ જિલ્લાની ચાર લોકમાતા બંને કાંઠે વહેતી થઈ હતી. સૌથી વધુ પાણી અંબિકા અને ખાપરી નદીમાં વહેતા આ નદીઓ નજીકના ખેતરોમાં પાણી ભરાયા હતા. આ નદીઓને સાંકળતા 17થી વધુ કોઝવે કમ પુલ ઘોડવહળ, સૂપદહાડ, આંબાપાડા, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ધૂળચોંડ, ગાયખાસ, ચવડવેલ, ચૌક્યા, દબાસ, માછળી (ઘોડી), બોરપાડા, સતીવાંગણ, લિંગા, કોસંબીયા, પાંડવા કોઝવે દિવસ દરમિયાન પાણીમાં ગરક થઈ ગયા છે. અંબિકા ખાપરી, પૂર્ણા અને ગીરા નદીને સાંકળતા સમયાંતરે પાણીમાં ગરક થઈ જતા ઘોડવહળ, સૂપદહાડ, સૂર્યાબરડા, લહાનબરડા, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા, સુસરદા, ધૂળચોંડ, ગાયખાસ, ચવડવેલ, ભેંડમાળ, લિંગા, કુંભારીયા, ચૌક્યા, અંજનકુંડ, પાંડવા, ઘોડી, લહાનદબાસ, મોટીદબાસ, કોસંબીયા, ઉગા ચીચપાડા, આમસરવળણ, બોરપાડ, દગડીઆંબા, મલિન, વાઘમાળ, લવાર્યા સહિત 30થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે.