Home Gujarat બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન : ડીસામાં 5 ઇંચ અને દિયોદરમાં 8 વરસાદથી જળબંબાકારની...

બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન : ડીસામાં 5 ઇંચ અને દિયોદરમાં 8 વરસાદથી જળબંબાકારની સ્થિતિ, એલિવેટેડ બ્રિજ પર ભરાયા પાણી, જુઓ Video

https://youtu.be/OKwDE81Dk6o

Face Of Nation 02-07-2022 : બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. ડીસામાં ધોધમાર વરસાદને પગલે 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
અષાઢી બીજની મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ દિવસ દરમિયાન ભારે ઉકળાટ જેવી સ્થિતિ બની હતી. આ વચ્ચે ગઈકાલે અષાઢી બીજની મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં અમીરગઢ 120 MM, કાંકરેજ 73 MM, ડીસા 120 MM, થરાદ 52 MM, દાંતા 59 MM, દાંતીવાડા 40 MM, દિયોદર 190 MM, પાલનપુર 37 MM, ભાભર 73 MM, લાખણી 35 MM, વડગામ 38 MM, વાવ 75 MM અને સુઇગામ 72 MM વરસાદ વરસ્યો હતો.
રાત્રે સતત 4થી 5 કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો
જિલ્લામાં દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલનપુર, ડીસા, અમીરગઢ અને દિયોદરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં રાત્રે સતત 4થી 5 કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
હજુ પણ વધુ વરસાદની ખેડૂતોને આશા
જિલ્લામાં આ સીઝનમાં પ્રથમવાર વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ત્રણેય જળાશય તળિયાઝાટક જેવી સ્થિતિમાં છે અને પાણીના તળ હજારથી બારસો ફૂટ જેટલા ઊંડા થઈ જતાં સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા હતી. આ વચ્ચે જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોએ પણ રાહત અનુભવી છે તેમજ હજુ પણ સતત વરસાદ ચાલુ રહે અને પાણીનાં તળ ઊંચાં આવે એવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).