Face Of Nation:કર્ણાટકની રાજનીતિમાં અત્યાર સુધી કશું સ્પષ્ટ થઈ શક્યું નથી. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી દ્વારા રજુ કરેલા વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હંગામા વચ્ચે સદનની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ પછી ધારાસભ્યોની અપીલ પર સદનને સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યપાલ તરફથી ફ્લોર ટેસ્ટ માટે સમય સીમા નક્કી કરવાના વિરોધમાં કોંગ્રેસના નેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. કર્ણાટક સંકટને જોતા ગર્વનરે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ પછી કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે રાજ્યપાલ પ્રત્યે મારા મનમાં સન્માન છે પણ ગર્વનરના બીજા પ્રેમ પત્રએ મને આહત કર્યો છે. તેમને ફક્ત 10 દિવસ પહેલા હોર્સ ટ્રેડિંગ વિશે ખબર પડી. મુખ્યમંત્રીએ સ્પિકરને કહ્યું હતું કે હું તમારી ઉપર ફ્લોર ટેસ્ટનો નિર્ણય છોડી દઉ છું. આ દિલ્હી દ્વારા નિર્દેશિત કરવામાં આવશે નહીં. હું તમને વિનંતી કરું છું કે રાજ્યપાલે મોકલાવેલ પત્રથી મારી રક્ષા કરો.આ પહેલા સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું હતું કે મને અત્યાર સુધી કોઈ ધારાસભ્યે લેખિતમાં સુરક્ષાની માંગણી કરી નથી. આવી સ્થિતિમાં કોઈને સુરક્ષા આપી શકું નહીં. મને ખબર નથી કે તેમણે સરકારને લખ્યું છે કે નહીં. હું કોઈને બાંધીને અહીં લાવી શકું નહીં. એક વ્યક્તિને બોલવા દેવાનું શરુ કરો. આ દરમિયાન તમે નેતા મળીને એક સમૂહ બનાવો અને મને તમારો નિર્ણય બતાવો. હું સાંજે 7.30 પછી આગળ બેસી શકીશ નહીં.
બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે બપોરે 1.30 કલાકે વિશ્વાસ મત પૂરા કરવાના રાજ્યપાલના પત્રને પડકાર આપવા સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.