Face Of Nation:વરસાદ પછી ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળાથી હાહાકાર મચી ગયો છે. જ્યારે રાજકોટમાં દિવસે અને દિવસે રોગચાળો વધુ અને વધુ વકરી રહ્યો છે. શહેરમાં વધી રહેલા રોગચાળાને લીધે છેલ્લા 2 દિવસમાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 3 બાળકોનાં મોત મામલે ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.એક બાજુ રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે. લોકોના મોત થઇ રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજકોટના ધારાસભ્ય બેજવાબદારી ભર્યું નિવેદન આપી રહ્યાં છે. રાજકોટમાં બાળકોના મોતને લઇ ધારાસભ્ય ગોવિંદ પટેલે ચોંકાવનારૂ નિવેદન આપતા કહ્યું કે, જીવન મરણ ભગવાનના હાથમાં છે. આ કોઇના નિમિત્ત બનતું હોય છે. તેમાં ક્યારેક આવો રોગ પણ નિમિત્ત બને છે. બાળકોના મોતના મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલનું આ બેજવાબદારી ભર્યા નિવેદનને લઇ સવાલો ઉઠી રહ્યાં છે. અને રાજકોટ વાસીઓને ધારાસભ્યએ ભગવાન ભરોશે મૂકી દીધા છે.
જ્યારે ગોવિંદ વધુમાં જણાવ્યું કે, અતિવૃષ્ટીના કારણે અને ગટરો ઉભરાઈ જવાના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતર્ક છે. આજે સરકાર દ્વારા હાઇપાવર કમિટીની મિટિંગ રખાઈ છે. મારા અનુભવે આપણે જે જે રજૂઆતો કરી છે તે મુદ્દે સરકાર એક્શન લઈ રહી છે. આજે રાજકોટની હોસ્પિટલમાં જે કાઈ પણ ખામીઓ હશે તે દૂર કરાશે. રોગચાળો હોય કે અકસ્માત હોય કે પછી હાર્ટ એટેક હોય આ તમામ બાબતો મૃત્યુ માટે નિમિત્ત બનતી હોય છે બાકી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે.