Face Of Nation 31-03-2024 : સમગ્ર દેશમાં મોદી લહેર ઉભી કરવામાં આવી છે. આ લહેર ઉભી કરવા પાછળ ભારતીય મીડિયાએ ખુબ મહેનત કરી છે અને હજુ પણ તે મહેનત અવિરત ચાલુ છે. મોદી બિલાડીને મારે તો પણ ભારતીય મીડિયા 24 કલાક ડિબેટો અને સમાચારો દેખાડીને પ્રજાના માનસમાં એવું નાખી દે કે, મોદી સાહેબે વાઘને માર્યો. ખેર ! આ એક રમૂજ સમાન વાત છે પણ હકીકત આ રમૂજથી અલગ પણ નથી. ગુજરાત ભાજપમાં ડાયરા કલાકાર તરીકે પ્રખ્યાત પુરષોત્તમ રૂપાલાને તેમના ડાયરાએ ડખામાં નાખી દીધા છે. ટિકિટ મળવાથી ઉન્માદમાં આવી ગયેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણી આજે વિરોધનું કેન્દ્ર બની ગઈ છે. જો કે ગુજરાતનો કોઈ પણ જ્ઞાતિ સમુદાય કે સમાજ કે વર્ગ ભાજપનું કશું ઉખાડી શકે તેમ નથી. વિરોધ વંટોળ ગમે તેટલો હોય પણ મોદી-મીડિયાની જોડી એટલી મજબૂત છે કે કદાચ કોઈ ભાજપનો ઉમેદવાર હારી જાય તો ખુદ ઈવીએમ મશીન સ્વીકારી લે કે, હું બગડી ગયું હતું, ભાજપનો ઉમેદવાર જીતેલા જ છે.
વાંચવામાં ચોક્કસ અજુગતું કે કડવું લાગે પણ આ સત્ય છે કે આજે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોદીની એટલી લહેર છે કે, ભાજપ ઉમેદવાર તરીકે જો કોઈ પશુ-પક્ષીને પણ જાહેર કરે તો તે જીતી જાય. પ્રજા નાહકનો વિરોધ કરીને સમય બગાડી રહી છે. ખબર છે કે કશું થવાનું નથી છતાં પણ વિરોધના નામે ખોટા દેખાડાઓ ઉભા કરીને પ્રસિદ્ધિ મેળવી લેવામાં કશું ખોટું પણ નથી. રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રસ્તે ઉતયૉ છે પણ સમય જતા આ જ ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાને અને ભાજપને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ કહેવામાં પણ કોઈ બે મત નથી અને એટલે જ ભાજપના પેટનું પાણી હાલતું નથી. ભાજપ પણ જાણે છે કે, રૂપાલા ભાજપ માટે એક મુખ્ય ડાયરા કલાકાર છે અને તેમનો ડાયરો પ્રજાને પસંદ છે જેથી આ ડાયરાબાજ ઉમેદવારને બદલાય નહીં. ક્ષત્રિયો જેવા અનેક સમાજો રસ્તા ઉપર આવે કે ગમે એટલા ધમ પછાડા કરે ભાજપના ભાઈ જયારે ઊંચી આંખ કરશે એટલે બધાને શાંત થઇ જવું પડશે. કેમ કે ભાઈ ખાલી ભાજપના નથી આખા ભારતના છે અને એ ભાઈનો ખભે હાથ છે એટલે મોદી સત્તા સ્થાને સુરક્ષિત છે. જો એ ભાઈનો સહયોગ ન હોય તો મોદી માટે પણ સત્તા મેળવવી મુશ્કેલ છે. આ ભાઈ એટલે અમિત શાહ.
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. ત્યારે તાજેતરમાં રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે સ્થળ પર જ પૂતળા દહન કરતા યુવાનોની અટકાયત કરવાને બદલે મોડીરાત્રે 3 યુવાનોને તેમના ઘરે જઈ અટકાયત કરવામાં આવી હતી. આ વાત એ બાબતની સાક્ષી પુરે છે કે, ભારતમાં પોલીસ તંત્રથી માંડીને તમામ સરકારી તંત્ર ભાજપના ઈશારે ચાલે છે. કેટલાક સરકારી બાબુઓ ભાજપને એટલા સમર્પિત છે કે, ઉપરથી આદેશ આવે એની રાહ જોયા વિના કોઈ ભાજપ વિરુદ્ધ કઈ બોલે કે વિરોધ પ્રદર્શન કરે તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દે અને ભાજપી નેતાની ગુડબુકમાં સ્થાન મેળવી લે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).