Face Of Nation 31-10-2022 : ગુજરાતના મોરબીમાં રવિવારે એવી ગોજારી ઘટના બની કે જેને માનવીના રુંવાડા ઉભા કરી દીધા. જ્યાં જુઓ ત્યાં લાશો અને ચિચિયારીઓથી ગુંજી ઉઠેલા વાતાવરણે કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી નાખ્યો. આ ગંભીર અને દુઃખદ ઘટના સમગ્ર ગુજરાત માટે હતી તેવામાં ભાજપના અને દેશના વડાપ્રધાન ચૂંટણીની ઘેલછામાં આંધળા બનીને વિકાસ કામોના લોકાર્પણ કરી રહ્યા હતા. ખરેખર આ બધા તાયફાઓ ભારતમાં જ શક્ય બને. જો આવી ઘટના વિદેશમાં બની હોત અને કોઈ નેતાએ તેની સભા કરી હોત તો જનતાએ તેને ઘરે બેસાડીને પ્રજાએ તેનો પાવર દેખાડ્યો હોત. રાજનેતાઓની વર્તણુક માટે પ્રજા જ જવાબદાર છે. પ્રજા પોતાના જાનમાલની કિંમત કરતા રાજનેતા અને રાજકીય પક્ષોની વાહવાહી વધારે કરે છે જેને કારણે નેતાઓને પણ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા કે પ્રજાના જાનમાલને લઈને કોઈ પણ પ્રકારની ગંભીરતા નહીં દાખવવાની જાણે કે છૂટ મળી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના થરાદથી રૂપિયા 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરી હતી અને ગઈકાલે મોરબીમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાને દુઃખ વ્યકત કર્યું હતું અને કહ્યું હતું કે, આ મામલે સરકાર તરફથી કોઈ કસર છોડવામાં આવશે નહીં. અરે !આવા સમયે વડાપ્રધાને તેમના કાર્યક્રમો અટકાવી દેવા જોઈએ, નહીં કે ચૂંટણીના કાર્યક્રમો યથાવત રાખવા જોઈએ. જો કે, આવા સમયે પણ રાજનેતાઓની સભાઓમાં જતા લોકો પણ નિષ્ઠુરથી વધારે નથી. કોઈએ પરિવાર ગુમાવ્યો તો કોઈએ પરિવારનો મોભી ગુમાવ્યો એવામાં માનવતાએ આત્મહત્યા ન કરવી જોઈએ. ગુજરાતના દરેક માણસે શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવી જોઈએ એના બદલે લોકો સભામાં મોદી મોદીના નારા લગાવીને નિષ્ઠુરતાનું પ્રદર્શન કરી રહ્યા હતા. વડાપ્રધાને પણ એ વાતની સાક્ષી પુરી કરી કે પ્રજાના જીવ કરતા વધારે ચૂંટણી સભાઓ છે.
મોરબીની ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે, ફરીવાર મચ્છુ નદીમાં અનેક જિંદગીઓ હોમાઈ છે. ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદી આવતીકાલે મોરબી પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરશે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, હું એકતાનગરમાં છું, પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે, આટલું કહેતાં જ PM મોદીનો અવાજ રુંધાયો હતો. એક તરફ દર્દથી ભરાયેલું હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું, પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે. તેમણે આગળ કહ્યું, હું ભલે આજે અહીં તમારી વચ્ચે છું, પણ મારું મન કરુણાથી ભરાયેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).