Face Of Nation 02-12-2022 : ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોના નેતાઓની ફોજ પ્રજા વચ્ચે ઉતરી પડે છે. વચનોની લ્હાણી અને પ્રજાને ભોઠ બનાવવાના વાયદાઓ સાથે ઉતરી જતી આ રાજકીય પક્ષોના નેતાઓની ફોજમાં જેની સત્તા તે બળવાન દેખાવ કરે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ચૂંટણીમાં કાયદાની ઐસી કી તૈસી કરીને હંમેશા એક રાજનીતિ ગેમ રમતા આવ્યા છે. જેને લઈને તેનો પ્રભાવ મતદારો ઉપર પાડી શકાય. જયારે જયારે બે ચરણમાં મતદાન જાહેર કરવામાં આવે છે ત્યારે ત્યારે હંમેશા મોદી પ્રથમ ચરણના મતદાનને દિવસે જ બીજા ચરણના મતદાનના વિસ્તારોમાં સભા કે રોડ શો યોજે છે. આ રોડ શો અને સભા દરેક મીડિયા લાઈવ કરે છે અને ભાજપનો પ્રચાર બિન્દાસ્ત થાય છે છતાં કાયદેસર કોઈ કશું ઉખાડી શકતું નથી.
વોટિંગના દિવસે પ્રચાર ન કરી શકાય છતાં મોદી કાયદાની ઐસી કી તૈસી કરીને એવી રણનીતિ ખેલે છે કે, જ્યાં ચૂંટણી ચાલી રહી હોય ત્યાં ટીવીના માધ્યમથી પ્રચાર થઇ જાય અને લોકો મોદી મોદી કરે રાખે. ખરેખર આ લોકશાહી માટે ગંભીર બાબત છે કે, ચૂંટણી પંચ મોદીનો રોડ શો નથી અટકાવી શકતું પણ સાથે મીડિયામાં ચાલી રહેલો લાઈવ પ્રચાર પણ અટકાવી શકતું નથી. બે ચરણમાં મતદાન થવાનું હોય તેવા સમયે પ્રથમ ચરણ અને બીજા ચરણના મતદાન વચ્ચે ચાર થી પાંચ દિવસનો ગાળો રહેલો હોય છે તેમ છતાં પ્રથમ ચરણમાં જ્યાં મતદાન થતું હોય ત્યાં જ પ્રભાવ અને પ્રચાર કરવાના ઇરાદે બીજા ચરણના મતદાન વિસ્તારમાં મોદી રોડ શો યોજે છે અને જેને મીડિયા પણ લાઈવ કરીને પ્રથમ ચરણના મતદાન વિસ્તારોમાં દેખાડે છે.ખરેખર મતદાન અગાઉ પ્રચાર પ્રસાર શાંત કરી દેવામાં આવે છે તેમ છતાં કાયદાની ઐસી કી તૈસી કરીને મોદી અને ભાજપ હંમેશા પ્રચાર કરી નાખે છે તેમ છતાં કોઈ તેમનું કશું જ ઉખાડી શકતું નથી કેમ કે, તે સત્તામાં છે અને ગુજરાતીમાં કહેવત છે કે સત્તા આગળ શાણપણ નકામું.
પ્રથમ ચરણમાં મતદાન ચાલી રહ્યું હોય ત્યારે બીજા ચરણના વિસ્તારોમાં જો વિરોધ પક્ષના કોઈ નેતા રોડ શો યોજે કે કોઈ પ્રચાર કરવા જેવું કાર્ય કરે અને તેને મીડિયા દ્વારા લાઈવ બતાવવામાં આવે તો ચૂંટણીપંચ કાર્યવાહીના નામે નોટિસ પાઠવી દે છે પણ ભાજપ અને મોદીની વાત આવે ત્યારે કાયદાને ગમે તે છટક બારી મળી જાય છે. રાજકીય પક્ષો દ્વારા થતી આવી કામગીરી એ એક પ્રચાર સમાન જ છે કેમ કે મીડિયા દ્વારા તેને લાઈવ બતાવવામાં આવે છે. જો તેઓ રોડ શો કરે તો લાઈવ ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ કેમ કે મતદાનના દિવસે પણ રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. જેને મીડિયા દ્વારા વેગ પણ આપવામાં આવે છે તે પણ ખુબ જ શરમજનક બાબત છે. જો ચૂંટણી પંચ લાઈવ બંધ કરાવી દે તો મોદી સાહેબ રેલી પણ ન યોજે તે વાત પણ નગ્ન સત્ય સમાન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).