Face Of Nation:અમદાવાદ હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે લો પ્રેશર સર્જાયું છે. તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દરમિયાન આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાસણા બેરેજનો એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. જો અમદાવાદમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ જોઈને બેરેજના વધુ દરવાજો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. હાલ 28 નંબરનો દરવાજો એક ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. જો કે પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં બે અઠવાડિયાં સુધી ભારે વરસાદ પડી શકે છે.