Face Of Nation, 08-11-2021: જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ગઈકાલે રવિવારની રાત્રે દિવાળીની રજાઓમાં ફરવા નીકળેલા એક પરિવારને અકસ્માત નડતા હસતો રમતો પરિવાર વિંખાઇ ગયો હતો. ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી હતી. જેના કારણે એક જ પરિવારની બે મહિલાઓનાં મોત નિપજ્યાં હતા.
ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતા. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોક વ્યાપ્ત થયો હતો. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઇ હતી. હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવાનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા ફરવા માટે પોતાના ઘરેથી ઇકો કારમાં નીકળ્યા હતા. જો કે ગઈકાલે રવિવારે તેઓ વાંકાનેરથી મકનસર ગામે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની ઈકો કાર નં. GJ-1-HZ-1453ના ચાલકે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં નીચે ઊતરી ગઈ હતી. રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા કૂવાની અંદર ખાબકી હતી.
આ અકસ્માતમાં કારચાલક, પરિવારના મોભી રતિભાઈ તેમજ તેમનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ આગળ બેઠા હોવાથી તેઓ કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે કારની પાછળનો દરવાજો જામ થઇ ગયો હતો જેના કારણે પાછળનો દરવાજો ખુલી શક્યો નહોતો. પાણી ભરાતાં કારમાં બેઠેલા રતિભાઈનાં પત્ની મંજુલાબેન પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ અને બે પૌત્ર આદિત્ય અને ઓમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર-ચાર સભ્યોનાં મોત થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી હતી. ઘટના બાદ ઈકો કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી રતિભાઈ પ્રજાપતિએ ગફલતભરી રીતે ગાડી ચલાવી આ અકસ્માત સર્જનાર ઈકો કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધી સમગ્ર મુદ્દે તપાસ આદરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)