Face Of Nation:દેશમાં રવિવારે ભારે વરસાદ પડ્યો. મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે, નાસિક સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થિતિ બગડી હતી. આ કારણે બચાવ માટે સેનાએ આવવું પડ્યું. મુંબઇમાં સતત 30 કલાકથી વરસાદ પડી રહ્યો છે. 24 કલાકમાં 288 મિમી વરસાદ નોંધાયો. તેના લીધે સાંતાક્રૂઝ સહિત 8 વિસ્તારોના 40 લાખ લોકો પ્રભાવિત થયા હતા. ટ્રેક પર પાણી ભરાઈ જતાં 6 ટ્રેન રદ કરાઈ હતી. 24 ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા હતા અને ટ્રેનો મોડી પડી હતી. સાયન અને કુર્લા વચ્ચે રેલવે ટ્રેક ડૂબી જવાથી ચાર રેલવે લાઈન પર સવારે સાડા સાત વાગ્યે બંધ રહી હતી. સમુદ્રમાં બીજા દિવસે 16 ફૂટ ઊંચા મોજા ઊછળ્યાં હતાં. મીઠી નદી જોખમની સ્તરે વહી રહી હતી. આ વિસ્તારના 400 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં રવિવારે પણ વરસાદનો કહેર જારી રહ્યો હતો. મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં રવિવારે મુસળધાર વરસાદને પગલે અનેક સ્થળે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. કુરલામાં ફસાયેલા 400 લોકોને બચાવાયા હતા. પૂણેમાં એનડીઆરએફની ટીમે એક હોસ્પિટલમાંથી 50 દર્દી અને સ્ટાફના લોકો સહિત 200 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. નાસિકમાં ગોદાવરી નદીમાં પુર અાવતા કાંઠાના અનેક મંદિર ડૂબી ગયા છે.મુંબઈમાં કરંટ લાગવાથી બે લોકો મૃત્યુ પામ્યા. ગોરેગાંવમાં લેન્ડસ્લાઈડથી 4 ઘવાયા હતા. થાણેમાં નેવી અને આર્મીના જવાનો બચાવ કામગીરી કરી રહ્યાં છે. જ્યાં નંદુખડી ગામ અને પાલઘરથી 73 લોકોને એરલિફ્ટ કરાયા હતા. પૂણે અને થાણેમાં 700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘરમાં સોમવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યુ છે. લોકોને કહ્યું કે તે ઘરોથી ના નીકળે.