Face Of Nation:નારાયણ સરોવર કોસ્ટગાર્ડે જખૌ નજીકથી કરોડો રૂપીયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયા બાદ પકડાયેલા શખસોએ 136 પેકેટ દરિયામાં ફેંકી દીધા હોવાની કેફિયતના આધારે બીએસએફ ઉપરાંત અન્ય એજન્સીઓએ આદરેલી શોધખોળમાં 14 પેકેટ મળ્યા બાદ વાયુ વાવાઝોડાંના કારણે દરિયો રફ બનતાં તલાશી કામગીરી અટકાવી દેવાઇ હતી.તેવામાં હાલ ફુંકાતા ભારે પવનના કારણે ડ્રગ્સના પેકેટ કિનારે તણાઇ આવવાની પ્રબળ શકયતા વચ્ચે રવિવારે મોડી સાંજે લક્કી નાલા પાસે એક ડ્રગ્સનું પેકેટ મળી આવતાં બીએસએફે પોતાના તલાશી અભીયાનને વેગવાન બનાવ્યું છે. વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ડ્રગ્સના આ પેકેટ કિનારે તણાઇ આવશે તેવી શકયતાના આધારે સીમા સુરક્ષા દળે પાછલા 3 દિવસથી પેટ્રોલીંગ સઘન બનાવવા સાથે સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું છે.
ચેરીયાના જંગલમાં આ પેકેટને શોધવું પડકારજનક કામ હોવા છતાં અટપટ્ટા નાલાઓના કોઠાને ભેદી હાલતો આ તલાશી અભીયાન ચાલી રહ્યું છે. જેમાં ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સની ટુકડી પણ જોડાય તેવી સંભાવના સુત્રો મારફત વ્યકત કરાઇ રહી છે. નોંધનિય એ પણ છે કે થોડા દિવસ પહેલાં પગડિયા માછીમારોને દરિયામાંથી એક પેકેટ મળતાં બીએસએફ આ 3 યુવકોની સઘન પુછપરછ કરી હતી.