Face Of Nation : સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હોવા છતાં લોકો આ મામલે બેદરકારી દાખવી રહ્યા છે. અમદાવાદના નવરંગપુરામાં કેટલાક લોકો માતાજીની સ્થાપના કરવા એકઠા થયા હતા તેવામાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ઉપાડી ગઈ હતી. લોકોના ટોળા જોઈ પોલીસે આ લોકોની પૂછપરછ કરી હતી. જેમાં હાજર લોકોએ માતાજીની મૂર્તિની સ્થાપના નવનિર્મિત મંદિરમાં કરવા માટે ભેગા થયા હોવાનું જણાવ્યું હતું. આ તમામ લોકો એ વાત સારી રીતે જાણતા હતા કે, કોરોના વાઇરસ ટોળા દ્વારા એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે તેમ છતાં એકઠા થઈને સરકારી આદેશોનું ઉલ્લઘન કર્યું હતું. જેને લઈને પોલીસ કર્મચારી જીતેન્દ્રસિંહે ફરિયાદી બનીને સરકારના પરીપત્રનો અને શહેર પોલીસ કમિશનરના પરીપત્રનો ભંગ કરવા બદલ આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ પાંચ લોકોએ મંદિર સ્થાપનાનું આયોજન કરીને લોકોને એકઠા કર્યા હતા. આ આયોજન નવરંગપુરા પ્રેસિડન્ટ હોટેલની ગલી, વિજયનગર મણિલાલના કુવા પાસે કરવામાં આવ્યું હતું.