Home News જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે રથયાત્રાનો પ્રારંભ,અમિત શાહે મંગળા...

જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે રથયાત્રાનો પ્રારંભ,અમિત શાહે મંગળા આરતી ઉતારી ભગવાન જગન્નાથના કર્યા દર્શન

 

જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર 

Face Of Nation:અમદાવાદઃ અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે.આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી.મંગળા આરતી બાદ નગરચર્યાએ નીકળેલા જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમનો રથ એક હજાર ખલાસીઓ ખેંચી રહ્યા છે. ભગવાન જગન્નાથને ‘નંદીઘોષ’ નામના રથમાં, બહેન સુભદ્રાને ‘કલ્પધ્વજ’ અને ભાઈ બલભદ્રને ‘તાલધ્વજ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે. CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે. જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું.

ભગવાનના રથનું મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભગવાન આસ્ટોડીયા ચકલા પહોંચ્યા હતા. જ્યાંથી રથયાત્રા રાયપુર ચકલા પહોંચી છે, જ્યારે ગજરાજો અને ટ્રકો સરસપુર પહોંચ્યા છે. આ દરમિયાન આસ્ટોડીયા, રાયપુર અને કાલુપુરમાં ઝરમર વરસાદ પડ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી
ગૃહમંત્રી બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે મંગળા આરતી કરી છે. આ વખતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીનો લ્હાવો લેવા આવ્યા હતા. મંદિર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અને મંગળા આરતી થતાં જ મેઘારાજાએ પણ પોતાની હાજરી નોંધાવી હોય તેમ અમીછાંટણા પડ્યા હતા. રથયાત્રામાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાયા. જાંબુ, ફણગાવેલા મગ સહિતનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

BRTS-AMTS રૂટમાં ફેરફાર કરાયા
રથયાત્રાને લીધે બીઆરટીએસના ઝુંડાલ સર્કલથી નારોલ, નરોડા ગામતી ઇસ્કોન ચાર રસ્તા, ઓઢવથી એલડી એન્જી. કોલેજ, નરોડા ગામથી વાસણા, આરટીઓ સરક્યુલર, આરટીઓ એન્ટીસરક્યુલર રૂટ બંધ કરવામાં આવ્યા છે. એએમટીએસની 300થી વધુ બસનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રથમવાર પોલીસ બંદોબસ્તમાં ફેરફાર
રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાંથી ચાલુ વર્ષે ડીસીપીથી નીચેના તમામ પોલીસ અધિકારીઓની ગાડીઓ નહીં જોડાય. આમ કરવા પાછળના મુખ્ય બે કારણ એ છે કે પોલીસની લગભગ 40 થી 50 ગાડીઓ યાત્રાની સાથે નહીં જોડાવાથી યાત્રાની લંબાઈ લગભગ 400 થી 500 મીટર ટૂંકી થઇ જશે. તે સાથે તે તમામ ગાડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ડીપ પોઈન્ટ વાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે. રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની સાથે તેમની ગાડીઓ પણ જોડાય છે. ચાલુ વર્ષે રથયાત્રાના બંદોબસ્તમાંથી 40 થી 50 ગાડીઓ ઓછી કરાઈ છે. અને તે ડીપ પોઈન્ટ વાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે.

પોણો ઈંચ વરસાદની આગાહી
મધ્યપ્રદેશ પાસે સ્થિર થયેલાં ડિપ્રેશનની અસરથી આગામી બે દિવસ અમદાવાદમાં પોણા(20 મીમી)થી બે ઇંચ(50 મીમી) વરસાદ પડવાની શક્યતા છે. બુધવારે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં મોડી સાંજે ઠંડા પવન ચાલુ થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, બંગાળની ખાડીમાંથી સર્જાયેલુ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને હાલમાં મધ્યપ્રદેશનાં ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિર થયું છે, જેને કારણે આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં પોણોથી બે ઇંચ વરસાદ પડી શકે છે. તેમાંય ગુરુવારે વરસાદ પડવાની સૌથી વધુ શક્યતા હોવાથી રથયાત્રામાં અમીછાંટણાની સાથે વરસાદ ભગવાન જગન્નાથને તરબોળ કરી દે તેવી પ્રબળ શક્યતા છે. જયારે રાજ્યનાં સરહદી વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.