Face Of Nation:નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને ખુલ્લી ચીમકી આપતાં કહ્યું કે, જે વિસ્તારમાં મેલેરિયા કે અન્ય દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો તેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. સારી કામગીરી કરનાર અધિકારીને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખરાબ કામગીરી કરનાર સામે પગલાં ભરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્યમાં સારા વરસાદથી તળાવો અને નદીઓ ભરાઈ ગયા છે. થોડા દિવસો સુધી સૂર્યપ્રકાશ ન મળે તેવી સ્થિતિ હતી. જેથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ થાય તે સ્વાભાવિક છે. હાલ વરસાદ રોકાયો છે ત્યારે મચ્છર-માખીજન્ય રોગ ન ફેલાય તે માટે અધિકારીઓને કામગીરી કરવા કહેવામાં આવ્યું છે.નીતિન પટેલે કહ્યું કે, આજની તારીખ સુધી ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે મેલેરિયાના કેસમાં 49 ટકા ઘટાડો થયો છે. ચિકનગુનીયા અને ડેન્ગ્યુનું પ્રમાણ પણ ગત વર્ષ કરતાં ઓછું છે.