Home News કાયમી પુનરાવર્તન ? : રાજકોટની ઘટનામાં તપાસના નામે નાટકો થશે અને કોર્ટો...

કાયમી પુનરાવર્તન ? : રાજકોટની ઘટનામાં તપાસના નામે નાટકો થશે અને કોર્ટો વર્ષો વર્ષ કેસો ચલાવશે !

Face Of Nation 25-05-2024 : વાત કડવી છે પણ સત્ય છે, પહેલા હાઇકોર્ટ રાજ્યમાં બનતી ગંભીર ઘટનાઓને લઈને સુઓમોટો રિટ દાખલ કરતી અને આ રિટ મારફતે પ્રજાના હિતમાં જવાબદાર તંત્ર પાસેથી જવાબ માંગીને કાયદાના કોરડા ઝીંકતી હતી જે આજે તદ્દન બંધ થઇ ગઈ હોય તેમ ભાગ્યે જ સુઓમોટો રિટ શબ્દ સાંભળવા મળે છે. સુઓમોટો રિટ કોઈ ઘટના બાદ જ થાય તેવું પણ નથી કે તેવું પણ નહોતું છતાં આજે કોઈ ઘટના બને ત્યારબાદ હાઇકોર્ટ સુઓમોટો રિટ નોંધે છે અને સરકાર પાસે જવાબ માંગે છે પરંતુ સરકાર કે સરકારના અધિકારીઓ હવે આ સુઓમોટો રીટથી ડરતા નથી કેમ કે, સરકારી વકીલો સરકાર તરફથી પક્ષ રજૂ કરી દે છે.
ભારતમાં માણસના જીવની કોઈ કિંમત નથી રહી તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોઈ પણ ઘટના પહેલા રાજકીય પીઠબળના સહારે ભ્રષ્ટાચારી તંત્ર આંખ આડા કાન કરશે અને ઘટના બાદ તપાસના નામે કમિટીઓ બનાવીને કાર્યવાહીના નાટકો કરવામાં આવશે. આ નાટક પૂરું થશે એટલે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે અને કોર્ટો વર્ષો વર્ષ કેસો ચલાવશે. જેમાં ક્યાંક કાયદાની છટકબારીથી આરોપીઓ જામીન ઉપર છૂટી જશે અને પરિસ્થિતિ પાછી જૈસે થે થઇ જશે. આવું ત્યાં સુધી ચાલતું રહેશે જ્યાં સુધી તંત્ર ભ્રષ્ટાચાર નેવે મૂકીને કોઈની પણ શેહશરમ નહિ રાખે અને કોર્ટોમાં ઝડપી અને ઉદાહરણરૂપ ન્યાય જાહેર નહિ થાય. આરોપીઓને કોર્ટ કે કાયદાનો ડર રહ્યો નથી. ગુનેગારો એવા ભ્રમમાં છે કે, શું થશે ? થોડા સમય જેલમાં રહેવું પડશે અને બાદમાં કોર્ટ જામીન આપી દેશે. આ વિચારે ગુના આચરનારાઓમાં કોર્ટ અને કાયદાનો ડર દૂર કરી દીધો છે. જેને કોર્ટોની ધીમી કામગીરી વધારે બળ પૂરું પાડે છે. કોર્ટ એટલે એવું નથી કે જેની ટિપ્પણી ન કરી શકાય કે જેની કામગીરી યોગ્ય ન હોવા છતાં પણ કહી ન શકાય. ક્યારેક કોર્ટને પણ તેની કામગીરી અને તેના દેખાવ અંગે સચ્ચાઈ જણાવવી જરૂરી બની જાય છે જયારે રાજ્યમાં માણસના જીવની સાથે પણ રમત રમવાની શરૂઆત થઇ જાય છે.
ગુજરાતમાં આજે રાજકોટમાં જ આશ્વર્યજનક અને આઘાતજનક ઘટના નથી બની પરંતુ અગાઉ પણ ગુજરાતમાં મોરબી અને સુરતમાં આવી આશ્વર્યજનક અને આઘાતજનક ઘટનાઓ બની ચુકી છે જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સરકાર માત્ર વળતર તથા સાંત્વના આપે છે. નમાલી સરકાર એવા કોઈ નક્કર પગલાં નથી લેતી કે ફરી આવી ઘટનાઓ ના બને. મિડિયા પણ તેનો ભાગ ભજવવા ઘટના બનતા થોડા દિવસ તંત્રની ઝાટકણી કાઢશે અને બાદમાં શાંત થઇ જશે અને બસ, આ જ નીતિરીતિથી આરોપીઓ ફરીપાછા ખુલ્લેઆમ ફરતા થઇ જશે અને નવી કોઈ ઘટના બને ત્યાં સુધી રાહ જોવામાં આવશે.
ભારતમાં દિવસે દિવસે મનુષ્યના જીવ સાથે રમત રમવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. માણસનું મોત સામાન્ય ઘટના બની રહી છે જે ખુબજ આઘાતજનક અને ચિંતાજનક વિષય છે. તેમ છતાં કોઈ આ વિષયને ગંભીરતાથી નથી લઇ રહ્યું. નથી તંત્રના અધિકારીઓને પડી, નથી રાજકારણીઓને પડી કે નથી કાયદાને ચિંતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

રાજકોટમાં નીતિનિયમો નેવે મૂકીને ભાજપના રાજકીય પીઠબળ હેઠળ ચાલતા ફનઝોને 27 નિર્દોષનો જીવ લીધો !