Home News ગુજરાત સરકારનો માહિતી વિભાગ કે AMC ફેસ ઓફ નેશનને કોઈ માહિતી આપવા...

ગુજરાત સરકારનો માહિતી વિભાગ કે AMC ફેસ ઓફ નેશનને કોઈ માહિતી આપવા તૈયાર નથી !

ફેસ ઓફ નેશન, 21-07-2020 : ગુજરાત સરકારની કામગીરી પત્રકારો સુધી પહોંચાડવા માટે માહિતી વિભાગ કાર્યરત છે. જો કે આ વિભાગના કેટલાક અધિકારીઓ વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ફેસ ઓફ નેશને અનેક વાર માહિતી વિભાગના ઇમેઇલ ઉપર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રેસ નોટ પુરી પાડવા માટે રજૂઆતો કરી છે. તેમ છતાં તટસ્થ અને ધારદાર સમાચારો રજૂ કરતા ફેસ ઓફ નેશનને કોઈ પણ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવતી નથી. શું ગુજરાત સરકારનો માહિતી વિભાગ ફેસ ઓફ નેશનથી એટલી હદે ડરે છે કે, કોઈ માહિતી કે પ્રેસ નોટ પુરી પાડવામાં આવી રહી નથી ? અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના માહિતી વિભાગ દ્વારા પણ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી.
ફેસ ઓફ નેશન હંમેશા નેતાઓ અને સરકારની કામગીરીના સનસનીખેજ અહેવાલો રજૂ કરવામાં અગ્રેસર રહ્યું છે. અગાઉ ફેસ ઓફ નેશન દ્વારા નડિયાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને સનસનીખેજ અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઈને ફેસ ઓફ નેશનના એડિટર ઉપર ખંડણીનો કેસ ઠોકી દેવામાં આવ્યો હતો. આ કેસને મુદ્દો બનાવીને માહિતી વિભાગે મામલતદારને પત્ર પાઠવીને ફેસ ઓફ નેશન અખબારનું ડેક્લેરેશન રદ્દ કરાવી દીધું હતું. જો કે આ મામલે ફેસ ઓફ નેશને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા એક વર્ષની લાંબી લડાઈ બાદ મામલતદારનો હુકમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને ફરીથી ફેસ ઓફ નેશનનું અખબાર શરૂ કરવામાં આવ્યું હતું.
ફેસ ઓફ નેશન ભારત સરકાર માન્ય RNI ધરાવતું અખબાર છે. જેનું વેબપોર્ટલ પણ કાર્યરત છે. તેમ છતાં ગુજરાત સરકારનો માહિતી વિભાગ કોઈ પણ પ્રકારની માહિતી ફેસ ઓફ નેશનને પુરી પાડતું નથી. માહિતી વિભાગના અધિકારીઓની ફરજ છે કે, તમામ પત્રકારો અને અખબારોને માહિતી પુરી પાડવામાં આવે તેમ છતાં ફેસ ઓફ નેશનને કોના રાજકીય ઈશારે કોઈ પણ પ્રકારની માહિતી કે પ્રેસનોટ પુરી પાડવામાં આવતી નથી તે એક પ્રશ્ન છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા ફેસ ઓફ નેશનનું એક્રેડિટેશન પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. છતાં ફેસ ઓફ નેશનના એડિટર કે કોઈ પત્રકાર આજ દિન સુધી કોઈ અધિકારીના હાથ પગ પકડવા નથી ગયા કે, એક્રેડિટેશન કાઢી આપો. નીડર અને નિષ્પક્ષ પત્રકારોને કઈ સરકારની ઓળખ જરૂરી છે જ એવું નથી. ફેસ ઓફ નેશન માહિતી વિભાગની આ કામગીરી સામે આગામી સમયમાં નામદાર હાઇકોર્ટ સમક્ષ ન્યાય માટે પિટિશન દાખલ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો