બીજેપીએ સત્તાવાર જાહેરાત નથી કરી, ઓમ બિરલાની પત્નીએ કેબિનેટનો આભાર માન્યો
Face Of Nation: નવી દિલ્હી: ભાજપ સાંસદ ઓમ બિડલા 17મી લોકસભાના સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા છે. તેઓ રાજસ્થાનના કોટા-બૂંદી લોકસભા સીટથી સાંસદ ચૂંટાયા છે. તેમણે કોંગ્રેસના રામનારાયણ મીણાને 2,79,677 વોટથી હરાવ્યા છે. તેમને કુલ 8,00051 વોટ મળ્યા હતા. આ સીટ પરથી તેઓ 2014માં પણ સાંસદ બન્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓમ બિડલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણાં નેતાઓએ લોકસભા સ્પીકર માટે ઓમ બિડલાના નામની રજૂઆત કરી હતી. બીજૂ જનતા દળ (બીજેડી), શિવસેના, નેશનલ પીપુલ્સ પાર્ટી, મિઝો નેશનલ ફ્રન્ટ, અકાળી દળ, લોક જનશક્તિ પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ, જેડીયુ, અન્નાદ્રમુક અને અપના દળે પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. અમે કોંગ્રેસ સાથે વાત કરી છે. તેમણે અત્યાર સુધી પ્રસ્તાવ પર હસ્તાક્ષર નથી કર્યા. જોકે તેઓ તેનો વિરોધ નહીં કરે.
ઓમની પત્ની અમિતા બિડલાએ મંગળવારે કહ્યું હતું કે, અમારા માટે ખૂબ ગર્વ અને ખુશીની વાત છે. તેમની પસંદગી કરવામાં આવી હોવાથી અમે કેબિનેટના ખૂબ આભારી છીએ. ઓમ મંગળવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા માટે પણ પહોંચ્યા હતા. લોકસભા સ્પીકર બનાવવા વિશે તેમણે કહ્યું કે, મને આ વિશે કોઈ માહિતી નથી. હાલ હું એક કાર્યકર્તા તરીકે અધ્યક્ષને મળવા પહોંચ્યો હતો.
2004-08 સુધી રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા
ઓમ બિડલાનો જન્મ 4 ડિસેમ્બરે 1962માં કોટામાં થયો હતો. તેમણે તેમના રાજકીય જીવનની શરૂઆત છાત્રસંઘ ચૂંટણીથી કરી હતી. બિડલા 2003, 2008 અને 2013 એટલે કે ત્રણ વાર રાજસ્થાનના વિધાનસભાના સભ્ય રહ્યા હતા. 2004થી 2008 સુધી રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા હતા. તેઓ છ વર્ષ સુધી અખિલ ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પછી ભારતીય જનતા યુવા મોર્ચા રાજસ્થાન રાજ્યના પ્રદેશાધ્યક્ષ રહ્યા હતા.
16મી લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતા
સોમવારે ટીકમગઢના સાંસદ વીરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં સુમિત્રા મહાનજન લોકસભાના અધ્યક્ષ હતા. મહાજન ઈન્દોર લોકસભા સીટથી આઠ વાર સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો.