Home Gujarat અમદાવાદ વરસાદનો બીજો રાઉન્ડ, 1 ઇંચ વરસાદ : ઓગણજમાં દશેશ્વર ફાર્મની દીવાલ...

અમદાવાદ વરસાદનો બીજો રાઉન્ડ, 1 ઇંચ વરસાદ : ઓગણજમાં દશેશ્વર ફાર્મની દીવાલ પડતાં 5 મજૂર દટાયા, ફાયરબ્રિગેડની ટીમે તમામને રેસ્ક્યૂ કર્યા!

Face Of Nation 14-07-2022 : અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાલડી, વાસણા, વેજલપુર, શાહપુર, દરિયાપુર, શાહીબાગ, મેમકો, સરસપુર, મણિનગર, બોડકદેવ, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
દશેશ્રર ફાર્મની દીવાલ પડતાં 5 મજૂરો દટાયા
ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર છેલ્લી 20 મિનિટથી ભારે ટ્રાફિકજામ થયો છે. બીજી તરફ, GST અંડરબ્રિજમા પાણી ભરાતાં બંધ હોવાને કારણે લોકો ફસાયા છે. ઓગણજ વિસ્તારમાં વેદાંત કદમ પાછળ દશેશ્રર ફાર્મની દીવાલ પડતાં 5 મજૂરો દટાયા હતા. તમામને ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢીને સોલામાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ
ગિરધરનગર શાહીબાગ અને અસારવા ચકલા બેન્ક ઓફ બરોડાની બહાર પણ પાણી ભરાયાં છે. બીજી બાજુ, વરસાદના પાણી ભરાતાં અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં શરૂ થયેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેકબુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવો, એમ અમદાવાદના શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. શહેરના કેકે નગર વિસ્તારમાં ક્રોસિંગ રોડ પાસે ભારે વરસાદને કારણે સર્કલની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ જવાથી સવારના સમયે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કેમિકલવાળા પાણીથી લોકોને ચામડીના રોગો
અમદાવાદમાં વરસાદને કારણે ચામુંડા બ્રિજથી સરસપુર સુધી પાણી ભરાયાં હતાં. સર્કલથી ચારે તરફ જવાના રસ્તા પર પાણી ભરાયાં હતાં. શરૂઆતમાં પાણીમાં ફીણ પણ જોવા મળ્યું હતું. પાણી ભરવાના કારણે વાહન બંધ થતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નજીકમાં હોસ્પિટલ હોવાથી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. રાહદારીઓ પણ કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલતા જતા નજરે પડ્યા હતા. તો બીજીતરફ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચામુંડા બ્રિજના છેડેથી સરસપુર સુધી વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ છે. આસપાસની મિલોમાંથી પણ કેમિકલવાળુું પાણી છોડવામાં આવે છે, જેને કારણે તેમને ચામડીના રોગ પણ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).