Home Uncategorized ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સાહેબને જાહેરપત્ર : “સાહેબ હવે એક કોર્ટ જ...

ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સાહેબને જાહેરપત્ર : “સાહેબ હવે એક કોર્ટ જ આધાર છે, તમે જ કાયદાના ભગવાન છો, પ્રજાને બચાવવી પડશે”

ફેસ ઓફ નેશન, 09-04-2021 : માનનીય ચીફ જસ્ટીસ સાહેબ શ્રી, ગુજરાત હાઇકોર્ટ. જય ભારત અને નતમસ્તકે પ્રણામ સાથે જણાવવાનું કે, કોરોનાની સ્થિતિ દિવસે દિવસે અત્યંત ભયજનક થઇ રહી છે. રાજ્ય સરકારને ચૂંટણી સમયે જે ન નડ્યો તે કોરોના આજે પ્રજાને ભરખી રહ્યો છે. તેવામાં તમને સંબોધીને એક જાહેરપત્ર લખવાનો વિચાર આવ્યો અને મેં આ પત્ર લખ્યો. આમ તો આ પત્ર લખતા પહેલા ઘણા વિચારો આવ્યા અને ઘણા પ્રશ્નો પણ થયા કે શું હું હાઇકોર્ટ ચીફ જસ્ટિસને આમ પત્ર લખી શકું ? શું ચીફ જસ્ટિસને માઠું લાગશે અને ક્યારેક મારો કેસ એમની કોર્ટમાં ચાલશે ત્યારે મને કોઈ તકલીફ નહીં પડે ને ? પત્ર લખવા બદલ મારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી તો નહીં થઈ જાય ને ? ફરી પાછું આ પત્ર લખવા બદલ પોલીસ મારા ઘરે આવી નહીં ચઢે ને કે મને પૂછપરછ માટે લઈ નહીં જાય ને ? આવા અનેક સવાલોએ મારુ મગજ અસ્થિર ચોક્કસ કરી દીધું હતું પણ એ પ્રશ્નોને મેં પ્રશ્નો જ રહેવા દીધા અને એક જ વિચાર કર્યો કે, કોરોનાને કારણે દિવસે દિવસે સ્થિતિ અત્યંત વણસી રહી છે તેવામાં હું જો આપને પત્ર લખીને ગુજરાતની જનતા વતી મદદ માંગીશ કે લાગણી રજૂ કરીશ તો કોઈ ગુનો નહીં બને કે આપ મારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરો કેમ કે આપ જ હવે એક એવા છો જેમના સિવાય કોઈ વિકલ્પ નથી.
આપને માય લોર્ડ કહીને સંબોધવામાં આવે છે. કેમ કે, તમારો આદેશ કે હુકમ આખરી હુકમ હોય છે, જેને કોઈ અવગણી શકતું નથી કે કોઈ તેનો અનાદર પણ કરી શકતું નથી. આ એક ન્યાય મંદિર એવું છે જેમાં રહેલા જજ નામના ભગવાન અને મંદિર બંને રાજકારણ કે સરકારના પ્રભાવમાં નથી હોતા કે સંચાલનમાં નથી હોતા. આજે પણ લોકો સાથે અન્યાય થાય છે કે સરકારની કામગીરીથી પરેશાની થાય છે ત્યારે તે તમારા દ્વારે ન્યાય માટે આવે છે અને તમારા હુકમને બે હાથ જોડીને માથે ચઢાવે છે. આપ જે હુકમ કરો તે સાચો અને કાયદાના હિતમાં જ હોય છે. પરંતુ આજે રાજ્યની જનતા એક આફતમાંથી પસાર થઇ રહી છે. સમગ્ર વિશ્વ આ આફતમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર રીતે વધી રહી છે, લોકો ટપોટપ મરી રહ્યા છે. મને એવું લાગે છે કે, સરકાર હવે એટલી હદે નિષ્ફ્ળ નીવડી છે કે પ્રજાના જાનમાલની રક્ષા કરી શકવામાં અસમર્થ રહી છે. હું સમજી શકું છું કે આ એક વૈશ્વિક મહામારી છે અને તે સમગ્ર વિશ્વમાં છે. મોટાભાગના દેશોમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, ત્યાંની સરકારો પણ કામગીરી કરી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના આદેશોનું પ્રજાએ પાલન કર્યું છે. કોરોના કાબુમાં પણ આવ્યો હતો. જો કે ચૂંટણીએ બધા ઉપર પાણી ફેરવી નાખ્યું અને આજે આ પરિસ્થિતિ પેદા કરી દીધી કે જેના કારણે અગાઉ કરતા પણ કેસો વધવા લાગ્યા છે. લોકો રીતસરના ફફડી રહ્યા છે. મને ખબર છે આપે એક કોરોના મામલે થયેલી પીઆઇએલમાં એવી ટિપ્પણી કરી હતી કે, “જો સરકારે કોવિડ-19ની પરિસ્થિતિ કાબુમાં લેવા માટે કંઈ કર્યું જ ન હોત તો આપણે બધા જ મૃત્યુ પામ્યા હોત. જેથી આ પહેલા અમે કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યોની આલોચના કરતો જે આદેશ આપ્યો છે તેનો ઉપયોગ સરકારની આલોચના અને રાજકારણ ખેલવા ન થવો જોઈએ” આપની આ ટિપ્પણી હું કઈ કહી શકું એમ પણ નથી પરંતુ હાલના માહોલથી ચોક્કસ એમ કહી શકું છું કે, સરકાર કે મુખ્યમંત્રીએ કોરોના કાબુમાં લેવા ખરેખર અસરકારક કામગીરી કરી હોત તો આજે સ્મશાનોમાં વેઇટિંગ ન હોત.
સાહેબ માનવતા આજે રડી રહી છે કે, મોતનો મલાજો પણ જળવાઈ રહ્યો નથી. લોકો જિંદગી માટે તરસી રહ્યા છે. કોઈ માં, કોઈક બાપ, કોઈક ભાઈ, કોઈક બહેન, કોઈક પત્ની, કોઈક પતિ કે કોઈક બાળકો ગુમાવી રહ્યા છે. તેમના પરિવારજનોને અને આજે જેટલા લોકો આ મહામારીનો ભોગ બન્યા છે કે સારવાર હેઠળ છે તે તમામ લોકોને ખબર છે કે જિંદગીની કિંમત શું છે. સરકારને કોઈ સવાલ કરી શકે કે કડકાઈથી કહી શકે જેની અસર વર્તાય એવું આપ સિવાય કોઈ નથી. મેં ઘણા અહેવાલો લખ્યા છે અને વાંચ્યા પણ છે કે, ગુજરાત હાઇકોર્ટના ચીફજસ્ટિસ ઘરેથી કોર્ટ જઈ રહ્યા હોય અથવા તો સવારે અખબારમાં એવા સમાચાર વાંચ્યા હોય જે ગંભીર હોય અને પ્રજાના હીત માટે જરૂરી હોય તેવામાં સુઓમોટો રિટ દાખલ કરીને સરકારના કાન પકડ્યા છે, જવાબદારો સામે કાર્યવાહી કરી છે. આજે મીડિયાના અહેવાલોની સરકારને જાણે કે કોઈ અસર નથી થતી. આપ પણ અખબારો અને ટીવી માધ્યમોથી જાણતા હશો કે ગુજરાતની હાલત દયજનક થઇ રહી છે, માનવતા મદદ ઝંખી રહી છે.
રેમેડિસિવીર માટે પ્રજા વલખા મારી રહી છે અને નેતાઓ હજારોની સંખ્યામાં પોતાના વિસ્તારોમાં રેમેડિસિવીર પુરી પાડવામાં આવશે તેવી જાહેરાતો કરી રહ્યા છે. પ્રજાને મળતા નથી અને નેતાઓને આટલી મોટી માત્રામાં કેવી રીતે સહેલાઈથી મળી જાય છે તે એક પ્રશ્ન છે. ચૂંટણી સમયે પ્રજા આગળ હાથ જોડનારા આજે ખોવાઈ ગયા છે અને ઘરમાં પુરાઈ ગયા છે. ગણ્યા ગાંઠ્યા કેટલાક નેતાઓ ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
પ્રજાએ સરકારના તમામ નિયમોનું, આદેશોનું લોકડાઉન દરમ્યાન પાલન કર્યું છે છતાં એક ચૂંટણી માટે થઈને જે જે લોકોને કારણે આજે પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે તેવા લોકો સામે શું કાર્યવાહી ન થવી જોઈએ ? ખરેખર તો ચૂંટણી સમયે બેફામ નિર્ણયો લેવામાં આવ્યા ત્યારે જ આપ સાહેબની સુઓમોટો રિટની કે સૂચનની તાતી જરૂરિયાત હતી. સરકારને ચૂંટણી સમયે કડક નિયમોનું પાલન કરાવવા અને કોરોના અંગે સતર્ક રાખવા એક આપ જ સક્ષમ હતા, છો અને રહેશો.
સરકારને જયારે ચૂંટણી કરવી હતી ત્યારે કોઈ કોવીડની ગાઈડલાઈન ન નડી ? સાહેબ એક સવાલ છે મનમાં કે, ચૂંટણી બાદ જ કોરોના વકર્યો તો ચૂંટણી માટે થઈને જે સત્તાધારી નેતાઓએ તેમના પદનો દુરપયોગ કરીને આજે ગુજરાતની આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તેમની સામે શું કોઈ ગુનો ન નોંધી શકાય ? આપના વડપણ હેઠળ શું એક કમિટી તપાસ કરીને આ મામલે જવાબદારો સામે કાર્યવાહી ન કરી શકે ? હું અજાણ છું એટલે પ્રશ્ન કરી રહ્યો છું. જો નોંધી શકાય તો ગુજરાતની આવી પરિસ્થિતિ માટે જે જવાબદાર હોય તેમની વિરુદ્ધ ગુનો નોંધીને યોગ્ય પાઠ ભણાવવો જોઈએ કેમ કે હવે કોઈ એકાદ બે જિંદગીનો મુદ્દો નથી. સમગ્ર ગુજરાતની પ્રજાની રક્ષાનો મુદ્દો છે અને એટલે જ આ પત્ર લખવાની મેં હિંમત કરી છે. આ પત્ર લખીને મારે કોઈ પબ્લિસિટી લેવાનો પણ ઈરાદો નથી પરંતુ જાહેર છે એટલે સોશિયલ સાઇટ્સ ઉપર શેર કરી રહ્યો છું. મારે આટલા બધા ખુલાસા આપવા પડે છે કેમ કે મને ક્યાંક ડર પણ છે કે, મારે આ પત્રની કિંમત ન ચૂકવવી પડે. ખેર ! આપને ભગવાન કહ્યા છે ત્યારે આપ જેમ રાજી રહો એમ.
મને ખબર નથી કે આ પત્ર પછી આપનો પ્રતિભાવ કેવો હશે ? આપ મારી વિરુદ્ધ શું કાર્યવાહી કરશો ? કે ગુજરાત સરકારના ઈશારે પોલીસ શું કાર્યવાહી કરશે ? સાહેબ થાકી ગયો છું હવે તો પત્રકાર ધર્મ નિભાવતા કેમ કે સરકારને યોગ્ય લાગે તેવું જ લખવું પડે છે યોગ્ય ન લાગે તેવું લખીએ તો નારાજ થઈને યેનકેન રીતે હેરાન પરેશાન કરી મુકે છે. મુખ્યમંત્રી માટે કોઈ સમાચાર લખીએ તો તેમની પત્નીને તો ખોટું લાગી જાય છે. ખેર ! આ બધી અંગત વાતો છે. આ અહીં લખવાનો કોઈ મતલબ નથી. આ લખવા પાછળ મારો કોઈ બદઈરાદો નથી કે સરકારની ટિપ્પણી કરવાનો પણ ઈરાદો નથી કે સરકાર ઉથલાવવાનું કે લોકોને ભડકાવવાનું પણ આયોજન નથી. આ ચોખવટ એટલે કરવી પડે છે કે, મેં મુખ્યમંત્રીના કામની આલોચના કરવા બદલ રાજદ્રોહનો સામનો કરી લીધો છે. આજે એ વાતો પણ નથી કરવી કેમ કે આજે મેં માત્રને માત્ર ગુજરાતની જનતાના હીત માટે અને મહામારીને લઈને આપને પત્ર લખ્યો છે. મારો આ પત્ર લખવા પાછળનો એવો પણ મર્મ નથી કે આપે કોઈ કાર્યવાહી નથી જ કરી કે આપની કે કોર્ટ વિરુદ્ધ ટિપ્પણી કરવાનો કે અન્ય કોઈ બદઈરાદો નથી. આપે આ મામલે સરકાર પાસે જવાબો નથી માંગ્યા એવું કહેવાનો પણ મારો કોઈ ઉદ્દેશ નથી. મારે બસ એક જ સવાલ છે અને એક જ ન્યાયની માંગ છે કે, આજે ગુજરાતની આ પરિસ્થિતિ કરવા પાછળ જવાબદાર કોણ ? અને તેની સામે કેમ કોઈ કાર્યવાહી ન થઇ શકે ?
સાથે જ મારા પત્રને અહીં સમાપ્ત કરું છું. મને આ પત્રનો કોઈ પ્રતિઉત્તર પાઠવવો હોય તો ઇમેઇલ દ્વારા પાઠવશો એવી વિનંતી કરું છું. મારુ ઇમેઇલ આઈડી [email protected] છે. પણ હા એટલી ચોક્કસ ખબર છે કે આપ માનવતાના ભગવાન છો, આપ કાયદાના ભગવાન છો અને ભગવાન પાસે ફરિયાદ કરવાનો કે ન્યાય માંગવાનો કે પ્રશ્ન કરવાનો દરેક ભક્તનો અધિકાર છે. મારા આ પત્રથી મને કોઈ તકલીફ નહીં પડે તેવી આશા અને આપને ક્યાંક એવું કંઈક ખોટું લાગે કે મારી વાક્ય રચના ખોટી લાગે તો માફી સાથે નત મસ્તક જય ભારત. – લી.પ્રથમ ભારત દેશનો નાગરિક અને બાદમાં એક પત્રકાર ધવલ પટેલ. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)