Home News કાળાબજારનો કારોબાર : લોકડાઉનમાં પાન-મસાલા ગુટખાનું ઊંચા ભાવે વેચાણ

કાળાબજારનો કારોબાર : લોકડાઉનમાં પાન-મસાલા ગુટખાનું ઊંચા ભાવે વેચાણ

Face Of Nation : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા જે સ્થળે સૌથી વધુ લોકોની ભીડ જામે છે તેવા પાનના ગલ્લા, ચા-નાસ્તા સહિતની તમામ દુકાનો ફરજીયાત બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી પાન-મસાલા અને ગુટખાથી ખાવાની આદત ધરાવનારા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તો બીજી બાજુ લોકડાઉનમાં પાન-મસાલા ગુટખાનું ઊંચા ભાવે વેચાણ કરી કાળાબજારનો કારોબાર પુરજોશમાં ચાલુ થઈ ગયો છે. બજારમાં માલની તંગી હોવાથી કેટલાક વેપારીઓ ગુટખા-પાનમસાલાના ખુલ્લેઆમ કાળાબજાર કરી રહ્યા છે તો કેટલાક દુકાનદારોએ ઘરે જ ગલ્લો ચાલુ કરી દીધો છે અને ગ્રાહકોને ઘરેથી પાન-મસાલા, ગુટખા લઈ જવા સૂચના આપી દીધી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ગલ્લાવાળાઓ ગલ્લાંની નજીક ઉભા રહી અથવા તો ઘરેથી લોકોને ઊંચા ભાવે પાન-મસાલા, ગુટખાનું વેચાણ કરી રહ્યા છે. મસાલા અને તમાકુના બંધાણી રીતસરના ટળવળી રહ્યા છે જેને લઈને ઊંચા ભાવ આપીને પણ તેઓ પાન-મસાલા, બીડી, તમાકુ ખરીદીને વ્યસન કરીને સંતોષ માની રહ્યા છે.