Face Of Nation 13-05-2022 : સરકારી ઓફિસો, હોસ્પિટલ, શાળા, કોલેજ વગેરે જગ્યાએ વાહન પાર્કિગ હોવું ફરજિયાત છે અને વાહન પાર્કિગ માટે કોઈ જ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. જો કે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં વાહન પાર્કિગ માટે ચાર્જ લેવામાં આવે છે. એલ.જી હોસ્પિટલ, નગરી હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં પાર્કિગની સુવિધા છે અને ફ્રી પાર્કિગ છે જો કે એક માત્ર શારદાબેન હોસ્પિટલમાં પે એન્ડ પાર્કિંગનું શશી એન્ટરપ્રાઇઝ નામનું બોર્ડ મારી ચાર્જ લેવામાં આવે છે.
હોસ્પિટલ કમિટીના ચેરમેન પાર્કિંગ ચાર્જથી અજાણ
મહત્વની વાત એ છે કે હોસ્પિટલ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન દ્વારા અવારનવાર હોસ્પિટલોમાં મુલાકાત લેવામાં આવે છે છતાં પણ તેઓને ખુદને જાણ ન હતી કે શારદાબેન હોસ્પિટલમાં પે એન્ડ પાર્કિગના નામે વાહન પાર્કિગનો ચાર્જ લેવામાં આવે છે. હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલને શારદાબેન હોસ્પિટલમાં વાહન પાર્કિંગનો ચાર્જ લેવામાં આવે છે તે બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાનમાં ઉપર નથી હું આપને પૂછીને જણાવું છું.
રોજ 2000થી વધુ લોકો હોસ્પિટલમાં આવે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં સૌથી પહેલા જ પાર્કિંગને લઈને સુવિધા જોવા મળી હતી. હોસ્પિટલમાં દરરોજના અંદાજે 2000 લોકો આવતા હશે હોસ્પિટલમાં પ્રવેશવા માટે અને બહાર નીકળવા માટે એક જ ગેટ છે. જોકે ગેટથી 50 મીટર દૂર જ વાહન પાર્કિંગ કરાવવામાં આવે છે. કેઝ્યુલ્ટી વોર્ડની આસપાસ જ વાહન પાર્કિંગ જોવા મળે છે. એક સાથે બે એમ્બુલન્સ આવે તો ત્રીજી એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશી ન શકે તે રીતે પાર્કિગ કરાવવામાં આવે છે.
વાહન પાર્કિંગનો ચાર્જ ત્યાં લખ્યો ન હતો
હોસ્પિટલમાં વાહન પાર્ક કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લેવાનો હોય પરંતુ શારદાબેન હોસ્પિટલમાં વાહન પાર્ક કરવા બદલ ટુ-ફોર વ્હિલરના બે કલાકના 10 રૂપિયા, 12 કલાકના 20 રૂપિયા અને 24 કલાકના 30 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટર શશી એન્ટરપ્રાઇઝના નામે ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે. જોકે વાહન પાર્કિંગનો ચાર્જ ત્યાં લખ્યો ન હતો. જે પણ વ્યક્તિ વાહન પાર્ક કરી અને પરત આવે તેને ચીઠ્ઠીમાં જ્યારે લખીને આપવામાં આવે ત્યારે ખબર પડે કે 10 રૂપિયા ચાર્જ આપવાનો છે.
SVP, નગરી હોસ્પિટલમાં પાર્કિંગનો કોઈ ચાર્જ નહીં
કોર્પોરેશન સંચાલિત મણિનગર એલ.જી હોસ્પિટલમાં તપાસમાં વાહન પાર્કિંગનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અને વાહન પાર્કિંગની પૂરતી સુવિધા જોવા મળી હતી. જે પણ વ્યક્તિ વાહન લઈને આવે તેને સિક્યુરિટી દ્વારા અંદર વ્યવસ્થિત વાહન પાર્ક કરવા જણાવવામાં આવતું હતું. બીજી તરફ SVP હોસ્પિટલ હોય કે નગરી હોસ્પિટલમાં પણ વાહન પાર્કિગનો કોઈ ચાર્જ લેવાતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ત્રણ હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો વાહન પાર્કિંગ ચાર્જ નથી તો શા માટે શારદાબેન હોસ્પિટલમાં વાહન પાર્કિંગનો ચાર્જ લેવામાં આવે છે? તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).