Face Of Nation:પાટણ હારીજ ખાતે ધીમીધારે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે વહેલી સવારે ઉગ્ર રૂપ ધારણ કરતા સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડયો હતો. ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. શિશુમંદિર સ્કૂલ આગળ બેચરાજી બાયપાસ રોડ પર વધુ પાણી ભરાતા સ્કૂલના છાત્રોને લેવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યામાં પાટણના સરસ્વતીમાં 3.5 ઈંચ, પાટણમાં દોઢ ઈંચથી વધુ, જ્યારે સિદ્ધપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હારિજમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા પાટણમાં ડેપોમાં ઢીંચણસમા પાણી ભરાતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.હારીજ ત્રણ દરવાજાથી સ્ટેટ બેંક ત્રણ રસ્તા સુધીમાં ઢીંચણ સમા પાણી વહેતા થયા હતા. હારીજ શિશુમંદિર સ્કૂલ આગળ બેચરાજી બાયપાસ રોડ ઉપર કેળ સમા પાણી ભરાતા જલિયાણ સોસાયટી અને તે વિસ્તારના છાત્રોને લેવામાટે ટ્રેક્ટરમાં ધર્મેન્દ્રભાઈ ઠક્કર આવીને છાત્રોને પોતાના ઘરે મૂકી આવ્યા હતા. હારીજ ચાણસ્મા હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાયા હતા.