Face Of Nation, 30-09-2021 : પાટીદારોએ અનામત આંદોલનના નામે તેમના જ સમાજની સરકાર સામે બાંયો ચઢાવવાની મુર્ખામી કરી છે. આનંદીબેન પટેલ જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એક લબરમૂછિયા હાર્દિક પટેલ નામના યુવાનના ઈશારે પટેલ સમાજે આનંદીબેન સરકાર સામે અનામતની માંગ સાથે બાંયો ચઢાવી અને પરિણામે આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદેથી રાજકીય દબાણ આવતા ઉંમરનું બહાનું ધરીને રાજીનામુ આપી દેવું પડ્યું. પાટીદાર સમાજે ભલે અનામતની માંગ સાથે બુમ બરાડા પાડ્યા પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ આનંદીબેન પટેલ સરકાર હતી. જેવું આનંદીબેને રાજીનામુ ધર્યું તેની સાથે અનામત આંદોલન પણ અભરાઈએ ચઢી ગયું. કેટલાક લોકોએ નેતાગીરીના પોતાના રોટલા શેકવા “અનામત” શબ્દને હથિયાર તરીકે વાપરી પોતપોતાના મનસૂબા પાર પાડી લીધા.
જો કે, હવે ફરી જયારે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ત્યારે અનામત આંદોલનના નામે મિટિંગો શરૂ કરી દેવામાં આવી છે. કુવામાં ના દેડકાની જેમ હવે પાટીદાર નેતાઓ ફરી સમાજના નામે અને ન્યાયના નામે અનામત આંદોલનની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. રાજકીય ઇતિહાસ સાક્ષી છે કે, પટેલ સરકાર જયારે જયારે બની ત્યારે ત્યારે તેને પાડી દેવા માટે તેમના પટેલ સમાજે જ મહત્વનો ભાગ ભજવ્યો છે. પાટીદાર મુખ્યમંત્રી બનતાની સાથે જ, હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પાટીદાર આંદોલન અંગેના કેસ પાછા ખેંચવા રજુઆત કરી હતી.
હાર્દિક પટેલ, નરેશ પટેલ સહિતના આ એવા પાટીદારો છે કે જેમને બરાબર ચૂંટણી સમયે જ સમાજ યાદ આવે છે. આ લોકો પહેલાં જ સમાજના લોકોને એકઠા કરી બંધબારણે મીટિંગો કરે છે અને પોતે મૌન ધારણ કરી લેતા હોય છે. ચૂંટણી લડશે કે નહીં, કયા પક્ષને ટેકો આપશે એની કોઈ ખૂલીને વાત પણ નથી કરતા પણ અંતે તો એમનું ધારેલું જ કરે છે અને ધાર્યું થાય એટલે ફરી પાછા શાંત થઇ જાય છે. હાલ, ગાંધીનગર સહીત અમદાવાદમાં પાટીદાર સમાજના બેનરો હેઠળ ઉભરી પડેલા નેતાઓ અનામતના નામે મિટિંગો કરતા થઇ ગયા છે. આ નેતાઓ ફરી પાછા તેમના જ સમાજના ભુપેન્દ્ર પટેલની સરકાર સામે બાંયો ચઢાવવાના મનસૂબા બનાવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)