Home Gujarat પ્રધાનમંત્રી કાર્યક્રમમાં ‘Busy’, પાટિલના કાર્યક્રમમાં ‘Free’; રાજકોટમાં ખોડલધામ ચેરમેને કહ્યું- હજુ નક્કી...

પ્રધાનમંત્રી કાર્યક્રમમાં ‘Busy’, પાટિલના કાર્યક્રમમાં ‘Free’; રાજકોટમાં ખોડલધામ ચેરમેને કહ્યું- હજુ નક્કી જ નથી થયું કે હું રાજકારણમાં આવું છે કે નહીં!

Face Of Nation 05-06-2022 : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓએ રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર બની રહેલા ભાજપના ‘મિની કમલમ’ કાર્યાલયની સ્થળ વિઝિટ કરી હતી. બાંધકામથી લઇને કાર્યાલયમાં કેવી કેવી વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પાટીલ 5.15 વાગ્યે તેઓ મવડી રોડ પર આવેલા જીથરીયા હનુમાન પાસે ધ જીમ વર્લ્ડના ઓપનિંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ સાથે જોવા મળ્યા હતા. આટકોટમાં પાટીદાર સમાજની હોસ્પિટલના ઉદઘાટનમાં આમંત્રણ હોવા છતાં પણ નરેશ પટેલે દેશના પ્રધાનમંત્રીથી દૂરી બનાવી હતી. જ્યારે આજે પાટીલ સાથે જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું.
સમૂહલગ્નમાં નરેશ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા
જીમના ઉદઘાટન બાદ બંને સાથે સમૂહલગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ફ્લાઈટમાં જવાનું હોવાથી સી.આર. પાટીલ હાજરી આપી એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યારે સમૂહલગ્નમાં નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાથે નરેશ પટેલ એક સોફા પર જોવા મળ્યા હતા. સમૂહલગ્નમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અરવિંદ રૈયાણીને આમંત્રણ ન આપવામાં આવતા તેમની ગેરહાજરી જોવા મળી હતી.
એક અઠવાડિયાનો સમય આપો : નરેશ પટેલ
નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જીમના ઉદઘાટનમાં સી.આર. પાટીલ સાહેબ સાથે હું આવ્યો છું. આ જીમનો તમામ લોકો સારી રીતે ઉપયોગ કરે અને પોતાની તબિયત સાચવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ગઈકાલે પોસ્ટર લાગ્યા હતા તે આમંત્રિતોએ પોસ્ટર લગાડ્યા છે. એનો ભાવ હોય તો પોસ્ટર લગાડે એમાં કોઈ નવીન વાત નથી. આજે તેમના સહભાગી બન્યા છીએ. કોઈ પાર્ટીની નજરથી ન જોવું જોઈએ. આથી તેઓએ બહુ જ સહજતાથી પોસ્ટર માર્યા છે. હજુ નક્કી જ નથી થયું કે હું રાજકારણમાં આવું છું કે નહીં. રાજકારણ અંગેનો નિર્ણય જાહેર કરવા એક અઠવાડિયાનો સમય આપો.
દરેક જિલ્લા પર એક કાર્યાલય હોવું જોઇએ : પાટિલ
સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું દરેક જિલ્લા પર એક કાર્યાલય હોવું જોઇએ તેવી ઝુંબેશ ગૃહમંત્રી અમિત શાહે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે ઉપાડી હતી. તેમના સમયમાં 700 જેટલા કાર્યાલયો પૂરા થયા હતા. ગુજરાતમાં પણ આ જ ઝુંબેશને આધિન અલગ અલગ જિલ્લામાં કાર્યાલયનું કામ ચાલુ છે. રાજકોટમાં પણ આ કમલમ માટેની જગ્યા લઈને તેમના બાંધકામનું કામ ભાજપના આગેવાનોએ શરૂ કર્યું છે. જે-તે વખતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના સાથીઓએ પણ આ જગ્યા લઈને આ બાંધકામ શરૂ કર્યું છે.
લગભગ બે-ત્રણ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, હવે આ બાંધકામ અંતિમ તબક્કામાં છે અને લગભગ બે-ત્રણ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે. બાંધકામની ક્વોલિટી અને કામની ઝડપ જોતા મને વિશ્વાસ છે કે, ખૂબ અગમચેતી પૂર્વક દૂરંદેશી સાથે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખબૂ સરસ પ્લાનિંગ થયું છે. આખા દેશમાં લગભગ સૌથી બેસ્ટ કાર્યાલય આ રાજકોટનું બને એવો મને વિશ્વાસ છે. જેના માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલને અભિનંદન આપું છું.
રાજકોટ ભાજપના કાર્યાકર્તાઓ સાથે બેઠક
મિની કમલમની મુલાકાત બાદ પાટીલ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. લાંબા સમયથી નરેશ પટેલના રાજકીય આગમન અંગે ચર્ચા છે અને સતત સસ્પેન્સ બની રહ્યું છે. આ સમયે આજે પાટીલના રાજકોટ આગમનમાં ખાસ કરીને રાદડિયા ટ્રસ્ટના સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ તેઓએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).