Face Of Nation, 30-08-2021: ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ધારચૂલા સ્થિત જુમ્મા ગામમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાથી મોટાપાયે નુકસાનના અહેવાલ છે. ડઝનબંધ ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે. મળતી જાણકારી મુજબ, કાટમાળના ઝપટમાં આવી જવાથી ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે સાત લોકો હજુ પણ ગુમ છે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાથી સ્થાનિક લોકો ડરી ગયા છે. મળતી જાણકારી મુજબ, NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
ગત સપ્તાહે પણ પિથૌરા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં મૂશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. વરસાદના કારણે થઈ રહેલા ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. બીજી તરફ, સામાન્ય લોકોને પણ ખતરાનો સામનો કરવો પડી રહ્યો હતો. બલુઆકોટમાં એક મહિલા ભારે કાટમાળમાં દબાઈ ગઈ હતી. ધારચૂલા તાલુકાના અલઘારામાં મોટાપાયે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ચીન બોર્ડરને જોડનારો તવાઘાટ રોડ બંધ થઈ ગયો હતો. ભૂસ્ખલનમાં આવેલા ભારે કાટમાળના કારણે નીચાણવાળા વિસ્તારોના 20 મકાનો પર ખતરો ઊભો થઈ રહ્યો હતો. સ્થાનિક પ્રશાસને 12 મકાનોને તાત્કાલિક ખાલી કરાવવવાનો આદેશ આપ્યો હતો.
બલુઆકોટ વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયું હતું. જોશી ગામમાં થયેલા ભૂસ્ખલનના કારણે 13 મકાન પર ખતરો ઊભો થયો હતો. તેની ઝપટમાં આવવાથી એક મહિલા ગુમ થઈ ગઈ હતી. મહિલાને શોધવા માટે SDRFએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ કાટમાળ વ્યાપક માત્રામાં હોવાના કારણે મહિલાને શોધવી મુશ્કેલ બની હતી.
નોંધનીય છે કે, પિથૌરાગઢ ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિઓથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. વર્ષ 1977 બાદથી અત્યાર સુધી જિલ્લામાં કુદરતી આપત્તિઓના કારણે અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં 1977ના તવાઘાટ, 1988ના માલપા અને 2009માં લા, ઝેકલામાં આવેલી આપત્તિઓને કારણે પહાડી વિસ્તારમાં વસતા લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું. આ ત્રણ આપત્તિઓમાં 347 જેટલા લોકોના મોત થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)