Face Of Nation 27-07-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 28-29મી જુલાઈએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમમાં હાજરી આપશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જો કે રાજ્યવ્યાપી ભારે વરસાદના પગલે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો. જો કે હવે તે જ તમામ કાર્યક્રમ ફરીથી યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિને ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે.
સાબર ડેરીમાં 1000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદી 28 અને 29 જુલાઇ દરમિયાન ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી 28 જુલાઈએ ગુજરાતના પ્રવાસે પહોંચશે. વડાપ્રધાન સવારે 10 કલાકે સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લેશે. સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન થશે. પ્રધાનમંત્રી 305 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ અદ્યતન મિલ્ક પાવડર પ્લાન્ટની દૈનિક 120 મેટ્રિક ટનની ક્ષમતા છે. જ્યારે 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટ અને 600 કરોડના ખર્ચે બનનારા દૈનિક 30 મેટ્રિક ટન ક્ષમતાના ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. આ પ્લાન્ટ ચેડર ચીઝ, મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝનું ઉત્પાદન કરશે. આ ચીઝના ઉત્પાદન દરમિયાન પેદા થતી છાશને પણ 40 MTPDની ક્ષમતા ધરાવતા વ્હી ડ્રાયિંગ પ્લાન્ટમાં સૂકવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહશે.
ગાંધીનગરમાં ગિફટ સિટીની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી મોદી 29મી જુલાઈએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે. IIBX ભારતમાં સોનાના નાણાંકીયકરણને વેગ આપવાની સાથે જ સોર્સિંગ, ગુણવત્તાની ખાતરી અને કાર્યક્ષમ ભાવશોધની સુવિધા આપશે. પ્રધાનમંત્રી મોદી IFSCAના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે. આ બિલ્ડીંગની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. PM મોદીના હસ્તે NSE, IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરાશે. જેથી GIFT-IFSCમાં નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે. ગિફ્ટ સિટીની કલ્પના માત્ર ભારત જ નહીં વિશ્વની નાણાંકીય અને ટેકનિકલ સેવાઓ માટેના એક સંકલિત હબ તરીકે કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીનો દર મહિને ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.
10મી જુનના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવ્યા
આ પહેલા પ્રધાનમંત્રી મોદી 4 જુલાઇએ ગાંધીનગરમાં એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે મહાત્મામંદિર ખાતેથી પ્રધાનમંત્રી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકી. તો આ પહેલા 10મી જુનના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવ્યા હતા. અમદાવાદ અને નવસારીમાં તેમણે કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ; આવતીકાલે સાબર ડેરીના પ્લાન્ટની પ્રધાનમંત્રી લેશે મુલાકાત : સાબર...