Face Of Nation : મોદી સરકાર 2.0ની સંસદીય પરિક્ષા આજથી શરૂ થઈ રહી છે. આજે 17મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નવા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી ઈચ્છશે કે આ સત્રમાં બજેટ ઉપરાંત અન્ય અટકી પડેલા બિલો પસાર કરાવવામાં આવે. વીરેન્દ્રકુમારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા. તેઓ સાંસદોને શપથ લેવડાવશે. 17 જૂનતી શરૂ થનારું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલુ રહેશે. 5 જુલાઈના રોજ બજેટ રજુ કરાશે.
વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે જ્યારે સદન ચાલ્યું ત્યારે દેશહિતમાં નિર્ણયો લેવાયા છે. તેમણે કહ્યું કે લોકતંત્રની તાકાતનો અનુભવ દરેક ચૂંટણીમાં થાય છે. નવા સાથીઓના પરિચયનો અવસર છે. આઝાદી બાદ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાયું, સૌથી વધુ મહિલાઓએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે પહેલા કરતા વધુ બેઠકો સાથે જનતાએ સેવા કરવાની તક આપી છે. ગત પાંચ વર્ષનો અમારો અનુભવ છે. જ્યારે પણ સદન સારી રીતે ચાલ્યું છે ત્યારે દેશહિતમાં સારા નિર્ણયો લેવાયા છે. તેમણે કહ્યું કે જનહિતના નિર્ણયો, જનઆકાંક્ષાઓની પૂર્તિમાં અમે આગળ વધી રહ્યા છે તેનો વિશ્વાસ છે. ‘બધાનો સાથ, બધાનો વિકાસ’માં દેશની જનતાએ અદભૂત વિશ્વાસ ભર્યો છે. વિપક્ષને પીએમ મોદીએ કહ્યું કે લોકતંત્રમાં વિપક્ષનું હોવું, વિપક્ષનું સક્રિય હોવું એ અનિવાર્ય શરત છે. પ્રતિપક્ષના લોકો નંબરની ચિંતા છોડી દે. અમારા માટે તેમનો દરેક શબ્દ, દરેક ભાવના મૂલ્યવાન છે.