અર્થવ્યવસ્થાની નબળી પરિસ્થિતિ, ખોટા આંકડાઓ દર્શાવાયાઃદિગ્વિજય
દિગ્વિજય સિંહે બેંકિગ સેક્ટરની નાજુક હાલત પર પણ નિશાન સાધ્યું
Face Of Nation:નવી દિલ્હીઃ છેલ્લા બે દિવસથી સંસદના બન્ને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ચર્ચાઓ ચાલી રહી છે. મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથે લીધા હતા. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ હુલ્લડોમાં માર્યા ગયેલા 2500 લોકોના મૃત્યુ અંગે માફી માગવા તૈયાર નથી, તે આજે સૌના વિશ્વાસની વાતો કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીનું પરિવર્તન દંભી – દિગ્વિજય: દિગ્વિજયે વધુમાં કહ્યું કે, જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ઈફ્તાર પાર્ટીમાં જવા માટે તૈયાર ન હતા તે આજે લઘુમતી કોમનો વિશ્વાસ જીતવાની વાતો કરી રહ્યા છે. જે વ્યક્તિએ મુસ્લિમ ટોપી પહેરવાની ના પાડી દીધી, કેન્દ્ર સરકારની યોજના લાગુ કરવાની ના પાડી દીધી તે વિશ્વાસની વાતો કરી રહ્યા છે. વડાપ્રધાનમાં આ પ્રકારનું પરિવર્તન સાચે જ છે કે પછી દેખાડો છે? દેશમાં આજે સાંપ્રદાયકિતાનું ઝેર ફેલાવાયું છે. હવે આ ઝેરનો કોઈ ઈલાજ કરવો મુશ્કેલ છે. તમે વિશ્વાસની વાત કરી રહ્યા છો પરંતુ તમારા સમર્થક ઝારખંડમાં એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યાં હતા. ભલે તેણે ચોરી કરી હોય પણ તેને કાયદાની રીતે સજા મળવી જોઈએ.
અર્થવ્યવસ્થાની નબળી પરિસ્થિતી, ખોટા આંકડાઓ દર્શાવાયાઃ દિગ્વિજયે કહ્યું કે, લોકસભામાં આજે જયશ્રી રામ અને અલ્લાહ હુ અકબરના નારા લાગી રહ્યાં છે. આજે દેશમાં એવા નેતા સામે આવી રહ્યા છે જે હિંદુ-મુસલમાનને ભડકાવી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. વડાપ્રધાન અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયનએ લઈ જવાનો દાવો કરી રહ્યાં છે. પરંતુ અર્થવ્યવસ્થાની હાલત કપરી છે. છેતરપિંડી કરીને ખોટા આંકડાઓ બતાવાઈ રહ્યાં છે.
દિગ્વિજયે કહ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં બેરોજગારી વધી ગઈ છે, પરંતુ રાષ્ટ્રપતિના ભાષણમાં તેનો ઉલ્લેખ જ કરાયો નથી. આ દરમિયાન તેમણે બેકિંગ સેક્ટરની ખરાબ દશા પર પણ નિશાન સાધ્યું હતું. મોદી સરકારના કાર્યકાળમાં આતંકી હુમલા વધ્યા છે. તેમણે કહ્યું કે, પુલવામા હુમલા પહેલા કાશ્મીર પોલીસે સેનાને સિગ્નલ આપ્યું હતું કે, ત્યાં અઘટિત બનાવ બની શકે છે. એવામાં વડાપ્રધાન મોદીએ આ અંગે જવાબ આપવો જોઈએ. મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યા બાદ વડાપ્રધાન રાજ્યસભામાં પણ અલગથી આ અંગે જવાબ આપશે.