Face Of Nation : લોકડાઉનમાં ઘરમાં પુરાઈ રહેતા લોકોને નાકે દમ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હજુ ઘણા દિવસ લોકડાઉનના ભાગરૂપે ઘરમાં કેદ રહેવાનું છે ત્યારે લોકો કોરોના વાઇરસની ગંભીરતા સમજ્યા વિના એકઠા થતા પોલીસે આવા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદના સેટેલાઇટ પોલીસે એક જ દિવસે બે ફરિયાદ નોંધી હતી. જે મુજબ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલ પાસે ચારથી વધુ લોકો ટોળે વળીને ઉભા હતા. જેથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આ તમામની પૂછપરછ કરી હતી અને ભેગા થવાનું કારણ પૂછ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે તેઓ એક બીજાને ઓળખે છે અને સમય પસાર કરવા ભેગા થયા છે. જેથી પોલીસે આ તમામની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથે જ રાજીવનગર ચાર રસ્તા ખાતે પણ કેટલાક લોકો ટોળે વળીને ઉભા હોઈ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે કારણ પૂછતાં તેઓએ પણ એકબીજાને ઓળખતા હોવાથી સમય પસાર કરવા ભેગા થયાનો જવાબ આપતા પોલીસે તેમની પણ ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ, સોસાયટી બહાર સમય પસાર કરવા નીકળેલા લોકોને લોકઅપમાં જવાનો વારો આવ્યો હતો.